Site icon Revoi.in

મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિસ્ફોટથી દોડધામ, કોઈ જાનહાનિ નહીં

Social Share

મુંબઈના પરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક વિસ્ફોટને કારણે નાસભાગ સર્જાઈ હતી. જો કે આ વિસ્ફોટની તીવ્રતા ઓછી હતી. પોલીસે કહ્યું છે કે વિસ્ફોટ ઠાકુર મોલની સામે સડક પર એક સફેદ રંગના પદાર્થમાં થયો હતો.

વિસ્ફોટ બાદ પોલીસે આગળની તપાસ માટે સડકનો એક તરફનો વાહનવ્યવહાર બંધ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી વિસ્ફોટક, પ્લાસ્ટિકની બોટલ, નાના ધાતુના છરા અને એક જૂટ ફ્યૂઝ જપ્ત કર્યો છે.

બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટુકડી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે. હવે જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે કે આ વિસ્ફોટ આઈઈડીથી થયો હતો કે જેને સ્થાનિક સ્તરે બનાવાયો હતો? સડક પર વિસ્ફોટનો ઉદેશ્ય અરાજકતા ફેલાવવાનો અને કાયદો-વ્યવસ્થાનો ચોપટ કરવાનો હોવાની પણ સંભાવના છે.

પુલવામા ખાતેના ફિદાઈન એટેક બાદ પોલીસ કોઈ જ રિસ્ક લેવા માગતી નથી. માટે પોલીસ તપાસ કરી રહી છે કે ઘટનાસ્થળ પર કોઈ ઉપકરણ અથવા પદાર્થથી વિસ્ફોટ કરાયો હતો કે કેમ. મીડિયા અહેવાલ મુજબ, ઠાણે ગ્રામ્યના પોલીસ અધિકારીઓ પ્રમાણે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી.

વિસ્ફોટ માટે વપરાયેલા વિસ્ફોટકની જાણકારી મેળવવા માટે ઘટનાસ્થળેથી એકત્રિત નમૂનાઓની ફોરેન્સિક તપાસ માટેની તજવીજ હાથ ધરાઈ છે.

ઠાણે ગ્રામ્ય પોલીસના જણાવ્યા પ્રમાણે, બુધવારે સવારે લગભગ 10 વાગ્યે એક વ્યક્તિએ ઠાકુર મોલ કાશ્મીરાની પાસે સડક પર વિસ્ફોટક અને ફ્લેશ હોવાની જાણકારી આપી હતી.

પોલીસની સાથે બીડીએસ અને એટીએસની ટીમો પણ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. એટીએસની ટુકડીઓ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે. આના સંદર્ભે પોલીસે મામલો નોંધીને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પણ હાથ ધરી છે. એફઆઈઆર મુજબ, કોઈને પણ ઘાયલ કરવા સંદર્ભે આ ઘણો નાનો વિસ્ફોટ હતો. હવે આરોપી અને તેના ઉદેશ્યની જાણકારી મેળવવાની કોશિશો થઈ રહી છે.