- બંગાળની ખાડીમાં લો પ્રેશર
- આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે.
વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે સ્થિતિ બગડી છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પગપાળા તિરુમાલા મંદિર જવા માટે બનાવેલી સીડીઓ પર પણ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. નેલ્લોર શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ ઉપર પાણી વહી રહ્યા છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી રહ્યા હતા, એક વિદ્યાર્થી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.
તિરુપતિ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ચંદ્રગિરી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી પહોંચ્યા તેમજ શહેરની શેરીઓમાં પાણી ભરાયા છે. તિરુમાલામાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરે જવા માટેના ઘાટ રોડ પર પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ પથ્થરો ખસી જવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે, ઘણી જગ્યાએ વાહનો અટવાયા છે, ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડિપ્રેશનની સૌથી વધુ અસર ચિત્તૂર, કડપા અને નેલ્લોર જિલ્લામાં જોવા મળી હતી.આ જિલ્લાઓના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદીની નહેરો તૂટેલી છે. રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, ઘણા વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાઓ પણ તૂટી ગયા છે.