- પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
- તો હવે એલપીજી સિલિન્ડરનો પણ ભાવ વધ્યો
- ગરીબ અને મધ્યમવર્ગ જશે ક્યા?
અમદાવાદ :પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતના કારણે તો લોકો હેરાન પરેશાન છે જ પરંતુ લોકો એલપીજીના વધતા ભાવથી પણ હેરાન પરેશાન છે. વાત એવી છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના રેટ 6 ઓક્ટોબર 2021 બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે.
મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 949.50 રૂપિયા, કોલકાતામાં 976 રૂપિયા, ચેન્નાઈમાં 965.50 રૂપિયા થઈ ગયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 938 રૂપિયાથી વધીને 987.50 રૂપિયા થયો છે. જ્યારે બિહારના પટણામાં એક ઘરેલુ એલપીજી સિલિન્ડર હવે તમને 1039.50 રૂપિયામાં મળશે. જે પહેલા 998 રૂપિયાનો હતો.
નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ લાંબા સમય બાદ એકવાર ફરીથી વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરાયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 137 દિવસથી વધારો થયો નહતો. ડીઝલ અને પેટ્રોલના રિટેલ ભાવમાં ભલે 137 દિવસમાં વધારો ન થયો હોય પરંતુ જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ ખુબ વધી ચૂક્યો છે. જેમાં અચાનક મોટો વધારો ઝીંકાયો છે.