- LPG સિલિન્ડર મોંઘુ થઈ શકે છે
- સબસિડી ઘટવાથી વધશે કિંમત
- 20 કરોડ ગ્રાહકોને અસર થઈ શકે છે
દિલ્હી:ભવિષ્યમાં એલપીજી સિલિન્ડર મોંઘા થવાની શક્યતા છે.તાજેતરના બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફયુલ સબસિડીમાં ઘટાડો કર્યો છે.આ કટોતીથી સબસિડીમાં મળતા નાણાંને ઘટાડી શકે છે.સરકાર એલપીજી પર સબસિડી માટે ફંડ ફાળવે છે.આ વખતના બજેટમાં ભંડોળની રકમમાં ઘટાડો થવાને કારણે ઓછી સબસિડી મળવાની શક્યતા છે.કોરોનાની વચ્ચે સરકારે કેટલાક મહિનાઓથી સબસિડી બંધ કરી દીધી છે.કેટલાક રાજ્યોને બાદ કરતાં એલપીજી સિલિન્ડર પર સબસિડી આપવામાં આવી રહી નથી.તેની સૌથી ખરાબ અસર ઓછી આવક ધરાવતા પરિવારો અને મધ્યમ વર્ગના લોકો પર જોવા મળી રહી છે
આ બજેટમાં સરકારે ખાતર, ખાદ્ય અને પેટ્રોલિયમ સબસિડીમાં ઘટાડો કર્યો છે.આ ત્રણ સબસિડી સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણેયની સરખામણી કરીએ તો પેટ્રોલિયમ સબસિડી સૌથી ઓછી છે, પરંતુ તેની સૌથી વધુ અસર જોવા મળશે.ગત બજેટમાં પેટ્રોલિયમ સબસિડી માટે 6,500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.પરંતુ આ બજેટમાં તે 10.76% ઘટીને 5,800 કરોડ રૂપિયા પર આવી ગયું છે.
સબસિડી કટોતીથી ગ્રામીણ વિસ્તારના સૌથી ગરીબ પરિવારોને સૌથી વધુ અસર થશે.આ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ મફત એલપીજી કનેક્શન મળ્યા છે.જ્યાં સુધી સબસિડીનો લાભ મળતો રહ્યો ત્યાં સુધી આ પરિવારોને એલપીજી સિલિન્ડર ભર્યા. પરંતુ સબસિડી બંધ થવાને કારણે સિલિન્ડર રિફિલ ઓછું થઈ ગયું છે અને સિલિન્ડરની મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે,2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2015 માં, સરકારે સિલિન્ડરના લાભાર્થીઓના બેંક ખાતામાં 563 રૂપિયાની સબસિડી જમા કરવાનું શરૂ કર્યું.5 વર્ષ પછી ડિસેમ્બર 2020 ના ડેટા દર્શાવે છે કે,લોકોના ખાતામાં 20 રૂપિયા સુધીની સબસિડી આવી છે.આજે સિલિન્ડરની કિંમત 900 રૂપિયાની આસપાસ છે અને ગ્રાહકોને કોઈ સબસિડી નથી મળી રહી. DBT યોજના હેઠળ સરકાર એક પરિવારને વર્ષમાં 12 સિલિન્ડર આપે છે.ભારતમાં લગભગ 28 કરોડ એલપીજી ગ્રાહકો છે. તેમાંથી 1.5 કરોડ ગ્રાહકો સબસિડીની બહાર છે કારણ કે તેમની વાર્ષિક આવક 10 લાખથી વધુ છે.