ગુજરાતમાં LPG ડિલર્સને હવે પુરવઠા વિભાગમાંથી પરવાનો લેવો નહીં પડે, જુના કાયદામાં સુધારો કરાયો
ગાંધીનગરઃ રાજ્યમાં કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે ગેસ એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના સિલિન્ડર આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. એલપીજી ગેસની એજન્સીઓએ પુરવઠા વિભાગની પરવાનગીમાંથી મુક્તિ આપવા માટે સરકારમાં રજુઆતો કરી હતી. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરી છે જેમાં વર્ષ 1981થી ચાલ્યા આવતાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે,
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કે, ગુજરાતમાં એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરી છે જેમાં વર્ષ 1981થી ચાલ્યા આવતાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગેસ એજન્સીઓને ફાયદો થશે. ઉપરાંત પુરવઠા વિભાગ પર પણ કામનું ભારણ ઘટશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ વેટમાં ઘટાડો કરાશે. એવી ચર્ચાઓ જાગી હતી. પરંતુ ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલમાં વેટમાં ઘટાડો કરવાના મુડમાં નથી. હાલના તબક્કે અન્ય 11 રાજ્યની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોવાના ક્રમમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે, ત્યારે સરકારની કોઈપણ પ્રકારની ગતિવિધિ ભાવ ઘટાડવાને લઈને જોવા મળતી નથી, પરંતુ આગામી સમયમાં જો રાજકીય દબાણ વધે છે તો તેવા સંજોગોમાં ગુજરાત સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શકે એવી સંભાવના જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાને બદલે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રિયલ સીએનજીના ભાવ ઘટાડવા અંગે આગામી સમયમાં વિચારણા કરી શકે છે. જોકે હાલ આ મુદ્દો માત્ર વિચાર પૂરતો જ નાણાં વિભાગના અધિકારીઓના મન સુધી સીમિત છે, પરંતુ જરૂર જણાયે ઈન્ડસ્ટ્રિયલ સીએનજીના ભાવમાં ઘટાડવા અંગે પણ સરકાર આગામી સમયમાં મંત્રણા કરી શકે છે.