ડિસેમ્બર 3 અને 4 પર કેટલીક જગ્યાએ PSI-LRDની પરીક્ષા લેવામાં આવશે નહીં
- ગુજરાતમાં વાતાવરણ પલટાની અસર
- પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાને અસર
- 3-4 ડિસેમ્બરે કેટલાક સ્થળે પરીક્ષા મોકુફ
અમદાવાદ: ગુજરાત પોલીસમાં PSI અને LRDની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આજથી શરૂ થઈ ગઈ છે. જે 29મી જાન્યુઆરી 2022 સુધી ચાલશે. જોકે કમોસમી વરસાદને પગલે રાજ્યમાં 15 જેટલા મેદાનોમાંથી 7 જગ્યાએ કસોટી 3-4 ડિસેમ્બર માટે મોકૂફ રાખવામાં આવી છે.
ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, વાવ-સુરત, નડિયાદ અને ગોધરા માટે નવી તારીખો જાહેર કરાશે અને બાકીના 8 મેદાન પર આજથી ફિઝિકલ ટેસ્ટ શરૂ કરાઈ છે. 4 લાઈનમાં 50 ઉમેદવાર એમ એકવારમાં કુલ 200 ઉમેદવારને દોડાવવામાં આવશે,પાસ થવા માટે ઉમેદવારે વધુમાં વધુ 25 મિનિટમાં 12 રાઉન્ડમાં 5,000 મીટર દોડ પૂરી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય પછી ગુજરાતમાં આ પ્રકારની મોટી ભરતી આવી છે જેમાં મોટી સંખ્યામાં પોલીસની ભરતી કરવામાં આવશે. અનેક ઉમેદવારો આ ભરતીની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા અને હવે તેઓ મેદાન પર દોડવા માટે તૈયાર છે.
લોકરક્ષક દળની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના લાખો ઉમેદવારો શહેરો-ગામડાંમાં દિવસ-રાત તૈયારીમાં લાગી ગયા છે.જોકે ઘણી જગ્યાએ ઉમેદવારો પાસે દોડની પ્રેક્ટિસ માટે મેદાનનો અભાવ હોવાના કારણે તકલીફ પડી રહી છે. એવામાં ગુજરાત પોલીસ આવા ઉમેદવારોની મદદે આગળ આવી છે.