LRD અને PSIની શારીરિક કસોટીનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે લેવાયેલી LRD અને PSIની શારીરિક કસોટીને સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યની વડી અદાલતે અરજદાર એવા તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.
કેસની હકીકત અનુસાર ભરતી બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ રજૂઆત કરી હતી કે, વર્ષ 2019ની ભરતી દરમિયાન તેમને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવાયા હતા. પરંતુ ચાલુ વર્ષે લેવાયેલી શારીરિક કસોટીમાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આમ વર્ષ 2019 અને 2021ની ભરતીમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભરતી બોર્ડને હાઈટ રિ-મેજરમેન્ટનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.
હાઈકોર્ટે એમ પણ નિર્દેશ કર્યો હતો કે, જો ઉમેદવારોની શારીરિક માપણી યોગ્ય જણાશે તો તેને લેખિત પરીક્ષામાં બેસવાનો અધિકાર છે. હવે આગામી સુનાવણીમાં હાઈકોર્ટ તમામ તથ્યોના આધારે અરજી પર નિર્ણય લઈ શકે છે.