નવી દિલ્હીઃ લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણુક કરવામાં આવી છે. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે 30 જૂને નિવૃત્ત થયા બાદ ઉપેન્દ્ર દ્વિવેદી ચાર્જ સંભાળશે.
સંરક્ષણ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફીલ ની ડીગ્રી ધરાવનાર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 1984માં ભારતીય સેનાની ઈન્ફેન્ટ્રીમાં જમ્મુ-કાશ્મીર રાઈફલ્સમાં જોડાયા. તેમની આશરે 40 વર્શની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન તેમણે અલગ અલગ પદો પર સેવા આપી. આર્મીના વાઈસ ચીફ તરીકે નિમણુક થઈ તે પહેલા લેફ્ટેનન્ટ જનરલ દ્વિવેદીએ વર્ષ 2022થી 2024 સુધી ઈન્ફેન્ટ્રીના મહાનિર્દેશક તેમજ જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ સહિતના મહત્વના હોદ્દા સંભાળ્યા છે. સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે માસ્ટર ડિગ્રી ધરાવતા ઉપેન્દ્ર દ્વિવેદીને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ત્રણ જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ કોમેન્ડેશન કાર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.