Site icon Revoi.in

લખનઉઃ કારના દરવાજા પાસે ઉભા રહી સ્ટંટ કરતી મહિલાનો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં

Social Share

લખનૌઃ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મહિલા ચાલતા વાહનના દરવાજા પર લટકતી જોવા મળી રહી છે. વિવેક કે. ત્રિપાઠી નામની વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ મહિલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે ખુબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો સામે આવતા ઉત્તર પ્રદેશ પોલીસ પણ એક્શનમાં આવી છે અને મહિલા સામે તેના ખતરનાક વર્તન બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

વીડિયોમાં, કાર રસ્તા પર ધીમી ગતિએ જતી જોઈ શકાય છે, જેમાં મહિલા દરવાજા સાથે લટકતી હતી. વાહન ચાલક મહિલાની કમર પકડેલો જોવા મળે છે. દેખીતી રીતે તે તેણીને પડતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ કોમેન્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ મહિલાની આ ક્રિયાને બેદરકારી અને બેજવાબદાર ગણાવી હતી.

પોતાની પોસ્ટમાં ત્રિપાઠીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને કારમાં સવાર લોકોની ઓળખ પર સવાલ ઉઠાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે વાહન પર એડવોકેટનો લોગો પણ લગાવવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ લખનૌ પોલીસે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. પોલીસે તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, તેઓએ અધિકારીઓને આ મામલાની તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

12 માર્ચે શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણો ચર્ચામાં છે. જેને ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, 1300થી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ આવી છે. આ ઘટના એ રીમાઇન્ડર છે કે જ્યારે રસ્તાની સલામતી અને ડ્રાઇવિંગની વાત આવે ત્યારે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.