Site icon Revoi.in

પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનો પશુપાલકોએ પારંપારિક રીતે ઉપચાર કરી શકાય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં જોવા મળતો લમ્પી સ્કીન ડીસીઝ સામે વહીવટી તંત્ર તથા પશુપાલન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ આદરી પશુઓમાં રસીકરણ કરાય રહ્યું છે. પશુપાલકો પારંપારિક પદ્વતિ દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનો ઉપચાર ઘરે બેઠા પણ કરી શકે છે. આ માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા મહત્વના ઘરેલુ ઉપચાર અને સારવાર પદ્ધતિઓ સૂચવાઇ છે.

પ્રથમ ઉપચારમાં 10 નંગ નાગરવેલનાં પાન, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ મીઠું તથા જરૂરીયાત મુજબ ગોળ ઉમેરી સારવારનો એક ડોઝ તૈયાર કરી શકાય છે. તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવી લો અને એમાં ગોળ મિક્સ કરો, તૈયાર થયેલો ડોઝ નાની નાની માત્રામાં પશુને ખવડાવો, પહેલા દિવસે દર ત્રણ કલાકે એક એક ડોઝ ખવડાવો, બીજા દિવસથી લઇને બે અઠવાડિયા સુધી સવાર, બપોર અને સાંજે એમ રોજના ત્રણ ડોઝ ખવડાવો, દરરોજ ડોઝ તાજા બનાવવા જોઈએ.

બે કળી લસણ, 10 ગ્રામ ધાણા, 10 ગ્રામ જીરૂ, એક મુઠી તુલસી, 10 ગ્રામ તેજ પતા, 10 ગ્રામ કાળા મરી, પાંચ નંગ નાગરવેલનાં પાન, બે નંગ નાની ડુંગળી, 10 ગ્રામ હળદર પાવડર, 30 ગ્રામ ચીરાતાનાં ( કરિયાતું) પાનનો પાવડર, એક મુઠી ડમરાના પાન, એક મુઠી લીમડાના પાન, એક મુઠી બીલીનાં પાન, 100 ગ્રામ ગોળ ઉમેરી સારવારનો એક ડોઝ તૈયાર કરી શકાય છે. તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવી લો અને એમાં ગોળ મિક્સ કરો, તૈયાર થયેલ ડોઝ નાની નાની માત્રામાં પશુને ખવડાવો, પહેલા દિવસે દર ત્રણ કલાકે એક એક ડોઝ ખવડાવો, બીજા દિવસથી રોજ સવાર સાંજ બે ડોઝ જયાં સુધી સ્થિતિ સુધારે નહી ત્યાં સુધી ખવડાવો, દરરોજ ડોઝ તાજા બનાવવા.

1 મુઠી વાંછીકાંટો/દદણોનાં પાન, 10 કળી લસણ, 1 મુઠી લિમડાના પાન, 500 મિ.લી. નારીયેળ અથવા તલનું તેલ, 20 ગ્રામ હળદર પાવડર, 1 મુઠી મહેંદીનાં પાન, 1 મુઠી તુલસીનાં પાન. બધી સામગ્રીને બરાબર દળીને 500 મિ.લિ. નારિયેળ કે તલનાં તેલ સાથે મિક્ષ કરી ઉકાળો અને ઠંડુ કરી ઘા/જખમને સાફ કરી સીધું લગાવી દો, જો ઘા/જખમમાં કીડા દેખાય તો ફક્ત પહેલા દિવસે સીતાફળનાં પત્તાની પેસ્ટ અથવા કપુરયુક્ત નારિયેળ તેલ લગાવવા સુચન કરાયું છે.