બનાસકાંઠાના પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધ્યાં, રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરાઈ
અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં અનેક પશુઓમાં લમ્પીના કેસ મળી આવ્યાં છે. દરમિયાન હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હરકતમાં આવેલા તંત્રએ રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરી છે. તેમજ રાજસ્થાનથી લવાતા પશુઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં લમ્પી વાઇરસનો કેર વધ્યો. લમ્પી વાઇરસના કેરને લઈ અમીરગઢ અને ખોડા બોર્ડર સિલ કરાઈ છે. રાજસ્થાનથી આવતા પશુઓની નોંધણી અને ચેકિંગ કરાશે. વાઇરસના લક્ષણ દેખાય તેવા પશુઓને સાત દિવસ સારવાર માટે ખસેડાશે. લમ્પી વાયરસ ચેપી રોગ હોવાથી બોર્ડરો સિલ કરવાનો નિર્ણય કરાયો. જિલ્લામાં 14 તાલુકામાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત છે. જિલ્લામાં 150થી વધુ પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળ્યા છે. ધાનેરા તાલુકામાં સૌથી વધુ 100 કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં છેલ્લા દોઢ – બે મહિનાથી પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો હોવા છતાં પશુપાલન વિભાગે હળવાશથી લેતા આજે અડધા સૌરાષ્ટ્રને આ રોગે ભરડો લીધો છે અને સ્થિતિ ગંભીર બની રહી છે. સૌરાષ્ટ્રનાં 500થી વધારે ગામોનાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝનાં પગેસારો થઈ ચૂકયો છે અને 144 થી વધુ પશુઓનાં મોત થયા હોવાનો અંતે પશુપાલન વિભાગે સ્વીકાર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસના કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ રોગચાળાને નાથવા માટે કવાયત શરૂ કરી છે.