અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી કાળજી લેવાવી જોઈએ. સરકાર દ્વારા રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા છે તેમજ આ અંગે વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે.
મુખ્યમંત્રીએ બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી.
દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ મહદઅંશે રોગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગૌમાતાની રક્ષા માટે સરકારે તમામ સંસાધનો કામે લગાવ્યા છે, જેના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં ૨૨ લાખથી વધુ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. રોગ ફેલાતો અટકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.