Site icon Revoi.in

ગુજરાતમાં 20 જિલ્લામાં લમ્પી વાયરસનો હાહાકાર, અત્યાર સુધી 1400થી વધારે પશુના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસએ હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 1400થી વધારે પશુઓના મોત થયાં હતા. બીજી તરફ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં રાજ્યના 20 તાલુકામાં 1935 ગામમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યાં છે. તેમજ 8 લાખથી વધારે પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. આ વાયરસ વધારે ના ફેલાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે

રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ 20 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ 20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 54161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું કે, આ 20 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 332 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહેલ છે ઉપરાંત વધુ સભ્યો કામધેનું યુનિવર્સીટી દ્વારા કચ્છ જીલ્લા ખાતે 175, જામનગર ખાતે 75 અને દેવભૂમિ-દ્વારકા ખાતે 50 મોકલી આપીને હજુ વધુ પુરજોશમાં રસીકરણની કામગીરી કરવા તૈનાત કરવા નક્કી કરવામાં આવ્યું છે.

મંત્રી એ ઉમેર્યું કે, આ રોગના નિયંત્રણ અને મોનીટરિંગ માટે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની રચાયેલ સમિતિ દ્વારા કરવામાં આવેલ કામગીરીના અનુસંધાને સચિવ –પશુપાલન દ્વારા જિલ્લા કલેકટર – કચ્છ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, રાજકોટ અને બનાસકાંઠા સાથે સમીક્ષા કરીને જીલ્લાની પરીસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.