Site icon Revoi.in

શરદ પૂનમના દિને ચંદ્રગ્રહણને લીધે સુપ્રસિદ્ધ મંદિરોના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી અને દશેરાનું પર્વ રંગેચંગે ઊજવાયા બાદ હવે 28મી ઓક્ટોબરે શરદ પુનમનું પર્વ મનાવાશે. પરંતુ શરદ પુનમના દિને ચંદ્રગ્રહણ હોવાના કારણે  પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, ડાકોર, દ્વારકાધિશ સહિતના મંદિરોમાં સાંજના સમયે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટે બપોર બાદ બંધ રાખવાની જાહેરાત કરી છે.

શરદ પુનમના દિવસે એટલે કે તા. 28 ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ છે જેના કારણે વિવિધ મંદિરાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જ્યારે પાવાગઢનું મંદિર બપોરથી બંધ રહેશે. અને 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 8:30 બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. પૂનમના દિવસે. 28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજુ અને છેલ્લુ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે.

દ્વારકાધીશ મંદિરમાં આગામી 27ના રોજ શુક્રવારે શરદપૂર્ણિમા ઉત્સવ અન્વયે શ્રીજીના રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના કારણે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી અને અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે અને શયન બપોરે 3 કલાકે (મંદિર બંધ) આમ શરદપૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટ દ્વારા જણાવાયું છે.

જ્યારે સોમનાથ ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજા ક્રમ બંધ રહેશે. આ સાથે જ સાયં આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરીસરમાં દરમાસની પુર્ણિમાંએ યોજાતા સુંદરકાંડ પાઠ નિયત સમયે સાંજે 5:30 વાગ્યે પ્રારંભ થશે. જે બાદ 29 ઓક્ટોબરના રોજ 29 ઓક્ટોબરના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓકટોબરના મધ્યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃમહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે.

શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તોએ મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને દર્શને જવા અનુરોધ કરાયો છે. એટલે કે 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 8:30 બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે.