લુણાવાડાઃ માત્ર રૂ. 20 હજારની ઉઘરાણી મુદ્દે બેવડી હત્યાને અપાયો અંજામ, આરોપીની ધરપકડ
અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામ પાસે બેવડી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. લુણાવાડા તાલુકામાં વૃદ્ધ દંપતિની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. પોલીસે સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. નાણાની ઉઘરાણી મુદ્દે પરિચીતે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા પાસે ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભી હકી. દરમિયાન મૃતક ત્રિભોવનભાઈ રાજકીય આગેવાન હોવાથી ખળભળાટ મચી ગયો હતો. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ અધિકારીને ઝડપથી કેસનો ભેદ ઉકેલી નાખવા તાકીદ કરી હતી.
દરમિયાન બનાવના છ દિવસ બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ઉછીના નાણાની તકરારમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. રૂ. 20 હજારની ઉઘરાણી મુદ્દે આ હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે આ પ્રકરણમાં ભીખાભાઈ પટેલ નામના ગામના જ એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આરોપી ભીખા ધૂળા પટેલની ધરપકડ કરી ત્રિભુવનભાઈનો મોબાઈલ તેમજ હથિયાર કબજે કર્યું હતું. આરોપીએ ઉછીના લીધેલા વીસ હજાર રૂપિયાની ત્રિભોવનભાઈની વારંવાર ઉઘરાણી કરાતા મૃતક દ્વારા આરોપીને અપમાનિત થાય તેવી ભાષા વાપરી હતી. જેથી આરોપી ભીખાભાઈને લાગી આવતા હત્યા કરી હોવાનું કબૂલ્યું.