Site icon Revoi.in

મધ્યાહ્ન ભોજન અનાજના સંચાલકોને છેલ્લા 20 મહિનાથી રૂ. 21 કરોડ હજુ ચૂકવાયા નથી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં તમામ સરકારી પ્રથામિક શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. પણ કોરોનાને કારણે શાળાઓ બંધ હતી તેથી બાળકોના વાલીઓને અનાજ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. અને આ કામગીરીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોને જોડવામાં આવ્યા હતા.આ યોજના હેઠળ છેલ્લા 20 મહિનાથી 28 હજાર સંચાલકો વિદ્યાર્થીઓને અનાજ પહોંચાડી રહ્યા છે, પણ તેમને આ પેટે ચુકવવાના 18 કરોડ અને અનાજ વિતરણના અહેવાલો અને પરમીટ લેવાની પરિવહન ખર્ચ રૂ. 3 કરોડ મળીને કુલ 21 કરોડ ન ચુકવાતા કર્મચારીઓની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મધ્યાન્હ ભોજન યોજના હેઠળ 28 હજાર સંચાલક કર્મચારીઓ 51 લાખ બાળકોને છેલ્લા 20 મહિનાથી અ્નાજ વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડે છે. મધ્યાન્હ ભોજન સંચાલકોના એક કવીંટલ દીઠ આશરે રૂ. 40થી50 વાહન ભાડા અને મજૂરી ખર્ચ તેમને મળતા રૂ. 1600ના વેતનમાંથી સરકાર વતી હંગામી ધોરણે ચુકવે છે. આ રકમ તેઓ બિલ રજૂ કરે પછી સરકાર પુરી પાડતી હોય છે. સંચાલકોએ છેલ્લા 20 મહિનામાં 3 લાખ મેટ્રીક ટન અનાજ જે તે વાહનોમાંથી વહન કરી 51 લાખ બાળકોને પહોચાડયુ છે. આ પેટે અત્યાર સુધીમાં રૂ. 18 કરોડ તેમજ અનાજ વિતરણના અહેવાલ અને પરમીટ લેવા માટે મામલતદાર કચેરીએ જવાના પરિવહન ખર્ચ પેટે રૂ. 3 કરોડ મળીને કુલ રૂ. 21 કરોડ લેવાના થાય છે તેમ મધ્યાન્હ ભોજન કર્મચારી સંઘના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ બાબતે વારંવાર રજૂઆત કર્યા છતા હજુસુધી રૂ. 21 કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં ન આવતા 28 હજાર મધ્યાન્હ ભોજન સંચાલકોની દિવાળી બગડે તેવો પરિસ્થિતિ ઉભી થઇ છે.  ( file-photo)