Site icon Revoi.in

સુરતમાં લકઝરી બસના ચાલકે 8 વાહનોને અડફેટે લીધા, એકનું મોત

Social Share

સુરતઃ જિલ્લામાં બેફામરીતે અને પુરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન અકસ્માતનો વધુ એક બનાવ કામરેજ ચાર રસ્તા પાસે બન્યો હતો, લકઝરી બસના ચાલકે ગફલતરીતે અને આડેધડ બસ ચલાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર જેટલા વાહનચાલકોને ઈજાઓ થઈ હતી. દરમિયાન અકસ્માતોની હારમાળ સર્જીને લકઝરીબસનો ચાલક નાસવા જતાં લોકોએ પીછો કરીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

સુરતના કામરેજ ચાર રસ્તાથી દાદા ભગવાન મંદિર સુધી એક લક્ઝરી બસના ચાલકે નાનાં-મોટાં 8 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. કામરેજ ચાર રસ્તા પાસે લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું હતુ અને 4 લોકોને ઈજા પહોંચી હતી. સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર લક્ઝરી બસ બેફામ બની હતી. કામરેજ ચાર રસ્તાથી લકઝરી બસનો ડ્રાઈવર વાહનોને ઉડાવતો દાદ ભગવાન મંદિર સુધી આવ્યો હતો. જેમાં કાર, બાઈક, રિક્ષા સહિતનાં આશરે આઠ વાહનોને અડફેટે લીધાં હતાં. લકઝરી બસ કનૈયા ટ્રાવેલ્સ હોવાનું જાણવા મળ્યુ છે. આ બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હતી. સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે અને 4 લોકોને ઈજા પહોંચી છે. સ્થાનિક લોકોએ લકઝરી બસના ડ્રાઈવરને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માતના બનાવને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, લકઝરી બસવાળો ફુલઝડપે બ્રેક માર્યા વિના બસ હાંક્યે જાતો હતો. અહીં રસ્તમાં જે ઊભા હતા એને ઉડાવતો ગયો. એક જણાનું મારી સામે જ મોત થયું હતું તેમજ બે મહિલાઓ ઘાયલ થઈ હતી જેમના પગ ભાંગી ગયા છે. કનૈયા ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરીના ડ્રાઈવરએ દારૂ પીધેલી હાલતમાં બેફામરીતે બસ ચલાવીને આઠ વાહનોને અડફેટે લીધા હતા.  આ બનાવમાં લકઝરી બસના ચાલકની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.