Site icon Revoi.in

લ્યો બોલો આ દેશમાં પગાર વધારનારા વેપારીઓ સાથે આ તે કેવું? જેલમાં ધકેલાઈ રહ્યા છે, જાણો કારણ

Social Share

મ્યાંમારમાં વેપારીઓને પોતાના કર્મચારીઓના પગાર વધારવા ભારે પડી રહ્યા છે. આ માટે વેપારીઓએ દેશની સૈન્ય સરકાર તરફથી સજાનો સામનો કરવો પડે છે. સરકારનું માનવું છે કે વેપારીઓ આવું કરીને ત્યાંના લોકોને મોંઘવારી અંગે ભ્રમિત કરી રહ્યા છે.

પગાર વધારવા બદલ જેલમાં મોકલે છે
મ્યાંમારમાં ખુબ ઝડપથી મોંઘવારી વધી રહી છે. જેના કારણે અનેક વેપારીઓ પોતાના કર્મચારીઓનો પગાર વધારી રહ્યા છે. તેને લઈને ત્યાંની સરકારે અત્યાર સુધીમાં 10 વેપારીઓની ધરપકડ પણ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ મ્યાંમારના માંડલે શહેરમાં સરકારે આ અઠવાડિયે કર્મચારીઓના પગાર વધારનારા મોબાઈલ ફોનની દુકાન ચલાવતા અત્યાર સુધીમાં 3 જેટલા માલિકોની ધરપકડ કરી છે.

3 વર્ષ સુધીની જેલ
રિપોર્ટ મુજબ સેનાએ પાઈ ફ્લો જો નામના એક મોબાઈલ શોપના માલિકની પણ ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર જેવી સરકારને ખબર પડી કે પાઈ ફ્લો પોતાના કર્મચારીઓનો પગાર વધારનાર છે તો તરત તેની ધરપકડ કરાઈ. ન્યૂયોર્ક ટાઈમ્સ સાતે વાત કરતા એક લીગલ એક્સપર્ટે જણાવ્યું કે ‘મ્યાંમારની સૈન્ય સરકાર આવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે વેપારી પગાર વધારીને લોકોને દેશમાં વધતી મોંઘવારી અંગે ભ્રમિત કરી રહ્યા છે. આવું કરવા બદલ વેપારીઓને ઓછામાં ઓછી 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.’ આર્મીએ પાઈ ફ્યોની દુકાન બંધ કરીને તેની બહાર નોટિસ લગાવી લખ્યું કે ‘સમુદાયની શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ ડાલવા બદલ આ દુકાનને બંધ કરાઈ છે.’

જનતા મોંઘવારીથી પરેશાન
પાઈ ફ્યોની દુકાનમાં કામ કરતા એક કર્મચારીએ કહ્યું કે, પગાર વધવાથી અમે ખુબ ખુશ હતા. પરંતુ હવે દુકાન બંધ થઈ ગઈ છે અને હવે મને કોઈ પૈસા મળતા નથી. અમારા જેવા સામાન્ય લોકો મોંઘવારી વધવાથી ખુબ પરેશાન અને નિરાશ છે. મ્યાંમાર સરકારની આ હરકત અંગે હ્યુમન રાઈટ્સ લોયર યુ કાઈ મિંતે કહ્યું કે, પગાર વધારવા બદલ દુકાન માલિકોની ધરપકડ કરવી એ કોઈ કાયદાનું પાલન નથી. વધુમાં કહ્યું કે મ્યાંમારમાં કાયદો ફક્ત નામમાત્ર હાજર છે.