- લો ફેકલ્ટીમાં 4 હજાર નવાં પુસ્તકો લાવવાં પડે તેવી સ્થિતિ,
- 4000 પુસ્તકોમાંથી 70 ટકા પુસ્તકો ભીંજાઈ ગયા,
- 30 ટકા પુસ્તકો સુકવવા માટે મુકાયા
વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પુરના પાણી ફરી વળ્યા હતા. હવે પૂરના પાણી ઉતરી ગયા બાદ નુકસાનીનો ચિતાર મળી રહ્યો છે. જેમાં એમ એસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના બિલ્ડિંગમાં પાણી ઘૂંસી જતાં 4000 જેટલાં પુસ્તકોમાંથી 70 ટકા જેટલા પુસ્તકો પલળી ગયા છે. જેમાં 30 ટકા પુસ્તકો સુકવવા માટે મુકવામાં આવ્યા છે. હવે કાયદાના પુસ્તકોની તાત્કાલિક ખરીદી કરવી પડશે.
વડોદરા શહેરમાં પૂરના કારણે એમએસ.યુનિવર્સિટીની ફેકલ્ટીઓમાં ભારે નુકસાન થયું છે. પૂરના પાણી વિવિધ ફેકલ્ટીઓની લાઇબ્રેરીમાં પણ ભરાયા હતા. જેને પગલે પુસ્તકોને પણ ભારે નુકસાન થયું છે. લો ફેકલ્ટીની લાઇબ્રેરીમાં પણ પાણી ભરાવાને કારણે પુસ્તકો પાણીમાં પલળ્યા હતા. લાઇબ્રેરીમાં અંદાજે 40 લાખની કિંમતના પુસ્તકો છે. જેમાંથી 4 હજાર જેટલા પુસ્તકો પાણીમાં પલળ્યા છે. આ 4 હજારની સંખ્યાના પુસ્તકોમાંથી 70 ટકા પુસ્તકો નાશ પામ્યા છે. જેનો કોઇ ઉપયોગ થઇ શકે તેમ નથી. જેથી તેને રીસાયકલ માટે મોકલવામાં આવશે. જ્યારે અન્ય 30 ટકા પુસ્તકોને સુકવવા માટે મુકવામાં આવ્યા છે. સુકાયા પછી અંદાજો લગાવી શકાશે કે તેનો વપરાશ કરવા લાયક છે કે નહીં. જેમાં કાયદાના અભ્યાસમાં વપરાતા જનર્લ્સથી લઇને મોટા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેનો લોના વિદ્યાર્થીઓ નિયમિત ઉપયોગ કરતા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ એમએસ યુનિનર્સિટીની દરેક ફેકલ્ટીના એડમિશન શરૂ થઇ ગયા હતા. જ્યારે લો ફેકલ્ટીના એડમિશન તાજેતરમાં શરૂ કરવામાં આવ્યા હતા. પૂરના કારણે લાઇબ્રેરી તેમજ ફેકલ્ટીમાં પાણી ભરાતાં ફરી નુકસાન થયું છે. જેથી તેને પગલે કેટલાક દિવસો આ કામમાં જ નીક્ળ્યા હોવાથી પુસ્તકોને પણ નુકસાનને કારણે કેટલાક નવા પુસ્તકો ત્વરિત ખરીદવા પડશે. લો ફેટકલ્ટીના ડીનના કહેવા મુજબ હાલ કેટલાં પુસ્તકોને નુકસાન છે તેની ગણતરી ચાલુ છે, લો ફેકલ્ટીની લાઇબ્રેરીમાં અંદાજીત 15 હજારથી પણ વધુ પુસ્તકો છે. લાઇબ્રેરીમાં પૂરનું પાણી ભરાયું હતું. જેને કારણે પુસ્તકોને નુકસાન થયું છે. આગામી કેટલાક દિવસ સુધી ગણતરી કરવામાં આવશે. ત્યારપછી પુસ્તકોની ગણતરી કરી કેટલી પુસ્તકોને નુકસાન છે, કુલ કેટલા પુસ્તકો નાશ પામ્યાં છે તેની સચોટ વિગતો સત્તાધીશો સુધી પહોંચાડાશે.