Site icon Revoi.in

માધવપુર બીચ ફેસ્ટીવલનું સમાપન, વિજેતા રમતવીરોને ટ્રોફી, ઈનામો આપી સન્માનિત કરાયાં

Social Share

પોરબંદરઃ માધવપુર ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ યોજાયો હતો. આ સ્પર્ધામાં કુલ 433 ખેલાડીઓએ ભાગ લીધો હતો.વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.  માધવપુરના લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તા. 31 માર્ચ થી 1 એપ્રિલ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં માધવપુર ચોપાટી બીચ ઉપર જુડો, ટેકવોન્ડો, 100 મી. દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, વુડબોલ નાળીયેર ફેંક એમ કુલ 9 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, માજી સરપંચ રામભાઈ કરગથીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ઉતર પૂર્વના રાજ્યોના 19 ખેલાડીઓ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના 108 ખેલાડીઓ તથા 306 સ્થાનિક ખેલાડીઓ મળીને કુલ 433 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ભાગ લેવા આવેલા ઉતર પૂર્વના રાજ્યોના ખેલાડીઓ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ખેલાડીઓના નિવાસ તથા તમામ ખેલાડીના ભોજન સહિતની  વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી હતી.

ઓફિસિયલ્સ દ્વારા જુડો રમતમાં મણીપુરની ટીમ તથા ટેકવોન્ડોમાં આસામની ટીમને ચેમ્પીયન જાહેર કરી ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જુડો રમતમાં બેસ્ટ જુડોકા ગુજરાતના પ્રશાંત ચૌધરી તથા બેસ્ટ જુડોકા મણીપુરના જોયશ્રી દેવી તથા, ટેકવોન્ડો રમતમાં બેસ્ટ પરફોર્મર ગુજરાતના અનુજ ગુપ્તા તથા બેસ્ટ પરફોર્મર આસામના નયત્રી ચેટીયા બન્યા હતા જેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુડો રમતમાં વિવિધ વેઈટ કેટેગરીમાં વિજેતાઓને 8 ગોલ્ડ મેડલ તેમજ 8 સિલ્વર મેડલ તથા ટેકવોન્ડો રમતમાં વિવિધ વેઇટ કેટેગરીમાં વિજેતાઓને 8 ગોલ્ડ મેડલ તેમજ 8 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા  હતા તથા આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયાત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.