વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાય રહી છે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ ઉપરાંત દબંગ ગણાતા પૂર્વ ધરાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા હવે ત્રિપાખિંયો જંગ ખેલાશે.
વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ ખેલાશે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વડોદરાની ધીરજ ચોકડીથી મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યારબાદ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વાઘોડિયા બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. હવે આ બેઠક પર ત્રિપાંખિયા જંગ જામશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 8 મી વખત વાઘોડીયા વિધાનસભા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મધુ શ્રીવાસ્તવએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર કટાક્ષ કર્યા હતા. અને એવો આક્ષેપ કર્યો હતો કે, સવા વર્ષમાં વાઘોડિયાની જનતાની કેટલીક જમીનો લખાઈ લેવામાં આવી છે. પોતાના લાભ માટે અહીં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે મને વાઘોડિયાની જનતાએ છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય બનાવ્યો હતો. પરંતુ રોજે રોજ દાળ-ભાત ન ભાવે એટલા માટે વાઘોડિયાની જનતાએ બીજો ટેસ્ટ કર્યો હતો. પરંતુ હવે લોકો જાણી ગયા છે. વાઘોડિયાની જનતાને ગીરવે મૂકી ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે. આ વિસ્તારની જનતા ચૂંટણીમાં જવાબ આપશે.
ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને હારેલા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે. આ બેઠક પર 1 વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે વાઘોડિયા બેઠકની જનતા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ ઉમેદવારની પસંદગી કરે છે કે, કેમ તે તો આવનાર સમય બતાવશે. પરંતુ મધુ શ્રીવાસ્તવના નામાંકન બાદ આ બેઠક રસપ્રદ રહેશે તે નિશ્ચિત છે. આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે. ત્યારે મતદારો પોતાનો મિજાજ કોને પક્ષે ફરે છે તે ખૂબ જ જરૂરી બનશે.