Site icon Revoi.in

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપાના સીએમ પદના દાવેદાર હોવાનો સિંધિયાનો ઈન્કાર

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. દરમિયાન ભાજપ મધ્યપ્રદેશમાં કોઈપણ મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. એવું માનવામાં આવે છે કે, જો અહીં ભાજપ જીતે છે તો કદાચ શિવરાજ સિંહ ચૌહાણને ફરીથી સીએમ ન બનાવવામાં આવે. જેથી સીએમ પદની રેસમાં ઘણા મોટા નેતાઓના નામ ચર્ચાય રહ્યાં છે. આમાંથી એક નામ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું છે. પરંતુ તેઓ સીએમની રેસમાં સામેલ થવાની વાતને નકારી કાઢી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે મધ્યપ્રદેશમાં પોતાનો કિલ્લો બચાવવા માટે લોકસભાના સાંસદોને પણ ટિકિટ આપી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, ભાજપ મધ્યપ્રદેશમાં કેટલી હદે જીત મેળવશે. ભાજપ દ્વારા તમામ દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સિંધિયા પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.

દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, કોઈએ સિંધિયા પરિવારને સીએમ પદની રેસમાં સામેલ ન કરવો જોઈએ? ‘અમે ક્યારેય મુખ્યમંત્રી પદની રેસમાં નહોતા અને આજે પણ હું તેમાં સામેલ નથી. અમે માત્ર વિકાસની દોડમાં જ સામેલ છીએ. હું 2018માં પણ મુખ્યમંત્રીની રેસમાં નહોતો અને આજે પણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.