મધ્યપ્રદેશઃ 5 વ્યક્તિઓ ઉપર હુમલો કરનાર દીપડાને ઝડપી લેવા માટે વનવિભાગે આધુનિક ટેકનોલોજી અપનાવી
ભોપાલઃ મધ્યપ્રદેશના અબખેડી ગામમાં દીપકાએ પ્રવેશ કરીને આતંક મચાવ્યો હતો. એક બે નહીં પાંચ વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા પ્રયાસો કરવા છતા દીપડો પાંજરે પુરાયો નથી. હવે વનવિભાગે દીપડાને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. દીપડાને ડ્રોનની મદદથી શોધવામાં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના દેહાત પોલીસ સ્ટેશન હેઠળના સાગર નાકા ચોકીના દેવરાન હિનૌતા ભોરાસા અબખેડી ગામમાં દીપડાના આગમનને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. તે જ સમયે, દીપડાને પકડવા માટે પન્નાથી રેસ્ક્યુ ટીમ પણ પહોંચી ગઈ છે. વનવિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વન વિભાગ અને પોલીસની ટીમ ઘણા પ્રયત્નો બાદ પણ દીપડાને શોધી શકી ન હતી. ડ્રોન કેમેરાની મદદથી દીપડાને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે. તે જ સમયે, દીપડાના હુમલામાં ઘાયલ પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ અંગે ફોરેસ્ટ ડિવિઝનલ ઓફિસર એમ.એસ.ઉઇકેએ જણાવ્યું હતું કે દીપડાના હુમલાથી પાંચ લોકોને ઇજાઓ થયાની જાણ પોલીસને થતાં વનવિભાગની ટીમે ગામડાઓમાં પહોંચી દીપડાને પકડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. દીપડો અચાનક ગાયબ થવાના કારણે ડ્રોન કેમેરાની મદદથી તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાત્રી હોવાથી તેનો પત્તો લાગ્યો ન હતો. દમોહના વન વિભાગની ટીમ અને પન્નાથી ડૉ. ગુપ્તાની આગેવાની હેઠળની રેસ્ક્યૂ ટીમ દ્વારા સવારે તેને ફરીથી પકડવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં તે આબુ ખેડી ગામમાં હોવાની શક્યતા છે અને તેને ઘેરી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ડ્રોન કેમેરાની મદદથી તેની શોધ કરવામાં આવી રહી છે.