દિલ્હીઃ દેશમાં ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશમાં ફરી એકવાર વાઘના શિકારની ઘટના સામે આવી છે. સતના જિલ્લાના રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો શિકાર કરીને તેમનું ચામડું કાઢી લઈને લાશને નજીકના એક તળાવમાં ફેંકી દીધી હતી. વાધનું નામ હિરા હતું. રેડિયો કોલર લગાવેલું હોવા છતા વનવિભાગ તેને ટ્રેસ ના કરી શક્યું. વન વિભાગના અધિકારીઓને સ્થળ પરથી કોલર આઈડી મળી આવ્યું છે. હીરા અને પન્ના નામના વાઘની જોડી જાણીતી હતી. શિકારની જાણ થતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ ઘટનામાં વનવિભાગે 3 શખ્સોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ ઉપરાંત વાઘના મૃતદેહની જંગલમાં જ અંતિમવિધિ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તળાવ નજીક વાઘની લાશ હોવાની જાણ થતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મૃત વાઘની ઓળખ હીરા તરીકે થઈ હતી. હીરાની લોકેશન 13 ઓક્ટોબરથી મળતી નથી. ત્યારથી જ વનવિભાગની ટીમ તેને શોધતી હતી. પરંતુ વન વિભાગ પહોંચે તે પહેલા જ હીરા શિકારીઓના હાથે ચડી ગયો હતો. કરંટ આપીને શિકારીઓએ ક્રુરતાપૂર્વક હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે.
રીવાસંભાગના સીસીએફ એ.કે.સિંહએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં વાઘનો શિકાર થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. હાલ 3 વ્યક્તિઓને તપાસનો ધમધમાટ તેજ બનાવવામાં આવ્યો છે. પન્ના ટાઈગર રિઝર્વમાં હીરા અને પન્ના નામથી જાણીતી વાઘની જોડી હતી. પ્રવાસીઓ પણ દુર દુરથી આ જોડીને જોવા મટે આવતા હતા. સામાન્ય રીતે હીરા અને પન્ના સાથે જ જોવા મળતા હતા. વાઘના શિકારની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને વનવિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.