મધ્યપ્રદેશઃ લગભગ 47 હજાર ખાનગી શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન કરાયું બંધ
ભોપાલઃ કોરોના મહામારીને પગલે હજુ દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં નથી આવતું, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિવિધ રાજ્ય સરકારો સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશનની તૈયારીઓ કરી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે માન્યતા ફી માફ કરવી અને ધો. 9 થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સહિતની માગ સાથે મધ્ય પ્રદેશની 47000 ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું હોવાનું જાણવા મળે છે.
એમપી પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ અજીત સિંહના જણાવ્યા અનુસાર રાજય સરકાર તરફથી સકારાત્મક જવાબ ન મળતા અમે અચોક્કસ મુદ્દત સુધી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એમપી પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન સાથે રાજ્યની 45,000 શાળાઓ સંકળાયેલી છે. અન્ય માગણીઓમાં શાળાઓના રિન્યુ સર્ટીફિકેટની મુદ્દત એક વર્ષથી વધારી પાંચ વર્ષ કરવાની છે. આ ઉપરાંત બંધ થઇ ગયેલી શાળાઓનું ઇન્પેકશન બંધ કરવાની માંગણી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે શાળાઓને થઇ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી માન્યતા ફીમાં વધારો કરવામાં ન આવે. તેમજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઇન્સપેકશનના નામે શાળા સંચાલકોને ડરાવી રહ્યાં છે.