Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા અને પોલીસને ગેરમાર્ગે દોરવા ફિલ્મી પ્લોટ ઘડ્યો હતો

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં યુવકની ગુમ થવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુમ થયેલા યુવકની છ મહિના પહેલા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી પત્ની અને પ્રેમીએ ફિલ્મ સ્ટાર અજય દેવગનની સસ્પેન્સ થ્રીલર ફિલ્મના પ્લોટના આધારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી મહિલા અને તેના પ્રેમીએ ઘડેલા કાવતરાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં રહેતા 35 વર્ષીય સૌરભ જૈન ગુમ થયાની અને હત્યાની આશંકા સાથે મૃતકના સંબંધીઓએ ફરિયાદ નોંધાવી હતી. સંબંધીઓએ 13 જુલાઈના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસ એક્શનમાં આવી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે પહેલા મૃતકની પત્ની અને તેની સાથે રહેતા દિપેશ ભાર્ગવની પૂછપરછ માટે અટકાયત કરી હતી.

સ્ટેશન ઈન્ચાર્જ નરેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે, સૌરભ જૈનના ભાઈએ ફરિયાદ કરી હતી. આ પછી જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે શહેરમાં રહેતા સૌરભ જૈનના લગ્ન આઠ વર્ષ પહેલા રિચા જૈન સાથે થયા હતા. આ દરમિયાન રિચા જૈન અને દિપેશ ભાર્ગવ વચ્ચે અફેર શરૂ થયું હતું. બંનેએ સાથે મળીને તેના પતિની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ પછી 23 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપી પત્ની પતિ સૌરભ જૈનને સારવાર કરાવવાનું કહીને અહીંથી લઈ ગઈ હતી. તેમજ વિદિશાના સિરોંજમાં રૂ. 35000માં કાર ભાડે લીધી હતી.

વિદિશા જિલ્લાના શમશાબાદ નજીક કોલુઆ પાસે બંનેએ સૌરભ જૈનને પથ્થરના ઘી ઝીંકીને તેની હત્યા કરી હતી. 6 મહિના બાદ મૃતકના ભાઈની ફરિયાદ બાદ જ્યારે મૃતકની પત્ની આરોપી પ્રેમી સાથે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. પૂછપરછ કરવામાં આવતા તેણે હત્યાની વાત કબુલી હતી. આરોપી પત્ની અને પ્રેમીએ પતિના મોતનો પ્લાન ઘડ્યો હતો. એટલું જ નહીં પુરાવા છુપાવવા માટે વારંવાર ફિલ્મ ‘દ્રશ્યમ’ પણ જોઈ હતી. આ પછી પતિની હત્યા થઈ ગઈ અને જ્યારે પોલીસે પૂછપરછ કરી તો તેણે વારંવાર પોલીસને જુદી જુદી વાતો કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો આરોપીઓએ સૌરભ જૈનના મૃતદેહના ટુકડા કરીને સળગાવી દેવાની વાત કરી હતી. પોલીસે જ્યારે હાડકાઓ અંગે સવાલો પૂછ્યા તો સૌપ્રથમ તેમણે શહેરના કરબલાની વાત કરી હતી, આ પછી, મૃતદેહના અવશેષોને નદીમાં અને પછી તુલસી સરોવર તળાવમાં ફેંકી દીધાનું કહ્યું હતું.

તેમની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે મૃતદેહના ટૂકડાઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, આરોપીએ પોલીસને ખાતરી આપવા માટે બાથરૂમમાં લોહીના નિશાન પણ કહ્યું હતું. આરોપી પત્ની અને તેનો પ્રેમી બંનેએ મૃતકના એટીએમમાંથી પૈસા ઉપાડીને મોજશોખ પાછળ ખર્ચતા હતા. જો કે, જ્યારે પત્ની સ્કૂલમાંથી બાળકનું ટીસી લેવા ગઈ તો તેણે કહ્યું કે પિતાનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારબાદ મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે, થોડા દિવસ પહેલા મૃત્યુ પામેલા સૌરભ જૈને પોતાની 5 વીઘા જમીન 11.5 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. પૈસા પત્ની પાસે રાખ્યા હતા. આ દરમિયાન તેને એક ટ્રેક્ટર પણ ફાયનાન્સ કરાવ્યું હતું.