ભોપાલમાં માસ્ક વિના ફરનાર વ્યક્તિ પાસેથી હવે રૂ. 500નો દંડ વસુલાશે
- રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવાયું
- કલેકટર દ્વારા કેટલાક મહત્વના કરયાં સૂચનો
ભોપાલઃ કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સહિત સમગ્ર દુનિયામાં ભય ફેલાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી છે. દમિયાન ભોપાલમાં હવે માસ્ક વિના ફરનારા લોકોને રૂ. 100ની જગ્યાએ 500નો દંડ કરવામાં આવશે. કોરોનાના બંને ડોઝ નહીં લેનાર કર્મચારી મળશે તો વાયવસાયિક સંસ્થાન ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમિત મળશે તો હોમ આઈસોલેશન કરવાને બદલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ આદેશ ભોપાલના કલેક્ટર અવિનાશ લવાનિયાએ જાહેર કર્યો છે.
આ ઉપરાંત લગ્ન સમારંભ અને અન્ય આયોજનને લઈને નવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઈન્દોરમાં બંને ડોઝ નહીં લેવા મુદ્દે બે દિવસમાં 27 શો-રૂમ અને દુકાનને સીલ કરવામાં આવ્યાં છે. કલેકટરે તમામ અધિકારીઓને કહ્યું છે કે, તેમની ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ માસ્ક વિના નહીં આવી શકે. ઓફિસમાં આવનાર વ્યક્તિએ બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કલેકટરે તમામ એસડીએમને નિર્દેશ કર્યો છે કે, જિલ્લામાં માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેટ્રોલિંગ વધારવાની સાથે પ્રજામાં એનાઉન્સમેન્ટ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. કોરોનાને નાથવાનો રામબાણ ઈલાજ માત્ર રસી જ છે. જેથી સમગ્ર મધ્યપ્રદેશમાં લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત બનાવવાની કામગીરીને વધારે વેગવંતી બનાવામાં આવી છે.