ભોપાલઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પરીક્ષામાં અનોખી રીતે ચોરી કરવાની ઘટના સામે આવી છે. પરીક્ષામાં નકલ કરવા બે વિદ્યાર્થીઓએ તમામ હદ પાર કરી દીધી છે. એક વિદ્યાર્થીએ પોતાના કાનમાં સર્જરી કરાવીને બ્લ્યુટૂથ ફિટ કરાવ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ પરીક્ષામાં નકલ કરવા માટે પોતાની બનીયાનમાં બ્લુટૂથ ફિટ કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દોરની એમજીએમ મેડિકલ લોકેજમાં એમબીબીએસની વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા શરૂ થયા બાદ લગભગ 65 મિનિટ બાદ કોલેજમાં જબલપુર મેડિકલ યુનિવર્સિટીની ગોપનીય ટીમે તપાસ કરી હતી. તપાસમાં એક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળ્યો હતો. તપાસ ટીમે મોબાઈલ જપ્ત કરીને જ્યારે વિદ્યાર્થીની પૂછપરછ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
વિદ્યાર્થીએ કહ્યું કે, તેણે સર્જરી કરાવીને બ્લૂટૂથ પોતાના કાનમાં ફીટ કરાવ્યું હતું. બ્લુટૂથ ના દેખાય તે માટે સર્જરી કરાવી હતી. જે બાદ તેના એક સાથીએ પણ માઈક્રો ડિવાઈસ લગાવી રાખ્યું હતું. જેથી ટીમે તે વિદ્યાર્થીને પણ પકડી લેવાયો હતો. બીજા વિદ્યાર્થીની તપાસ કરતા તેની બનિયાનમાં છુપાવેલુ બ્લૂટૂથ મળી આવ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયની કુલપતિ ડો. રેણુ જૈનએ જણાવ્યું હતું કે, એમબીબીએસની પરીક્ષા દરમિયાન એમજીએમ મેડિકલ કોલેજમાં બે વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાયાં હતા. એક વિદ્યાર્થીએ તબીબની મદદથી કાનમાં સર્જરી કરાવીને માઈક્રો બ્લૂટૂથ લગાવાયું હતું. બંને સામે કાર્યવાહી કરીને સમગ્ર મામલો નકલ સમિતિને મોકલવામાં આવ્યો હતો.
એમજીએમ મેડિકલ કોલેજના ડીન ડો.સંજય દિક્ષીતએ કહ્યું હતું કે, કોલેજ તંત્રએ તમામ જાણકારી ડીએવીવીને આપી હતી. આ સંબંધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.