મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા
ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે અને બીજાએ 18 મેના રોજ ટ્વીટ કરીને ટ્રેનમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી.
પોલીસ પૂછપરછમાં આ બંને આરોપીઓએ બોમ્બ અંગે ખોટી માહિતી આપવાનું ખૂબ જ રસપ્રદ કારણ આપ્યું છે. તેઓ સતત ટ્રેનમાં રહેતા હતા, જેના કારણે તેઓ લાંબા સમયથી તેમના પરિવારને મળી શક્યા ન હતા. તેમણે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવી ખોટી અફવાઓ ફેલાવી હતી.
ઈન્દોરના એસપી નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “એક વ્યક્તિએ 11 અને 18 મેના રોજ ટ્વીટ કરીને ટ્રેનમાં બોમ્બ મુકાયા હોવાની માહિતી આપી હતી. અમે બંને વખત તપાસ કરી પરંતુ બોમ્બ મળ્યો ન હતો.
અમે સાયબર સેલની મદદથી ઉજ્જૈનમાંથી 2 લોકોની ધરપકડ કરી છે. તેમની ઉંમર 25 અને 44 વર્ષની છે. આ બંને રેલવેમાં સફાઈ કામદાર છે. સતત ટ્રેનમાં રહેવાના કારણે આ લોકો પોતાના પરિવારના સભ્યો સાથે સમય વિતાવી શક્યા ન હતા. અફવાના કારણે ટ્રેન મોડી ઉપડેતો તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકતા હતા. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.