ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી વિશાળ પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લગભગ પાંચ હજારથી વધારે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરીને અદ્રૈત ધામની આધારશિલા રાખી હતી. અકાત્મકતાના પ્રતિક સમી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રતિમાનું અનાવરણ કર્યાં બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાધુ-સંતો અને મહંતો સાથે તેની પરિક્રમા કરી હતી.
આદિગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ પહેલા માન્ધાતા પર્વત ઉપર ઉત્તરકાશીના સ્વામી બ્રહ્નદ્રાનંદ અને 32 સંન્યાસી દ્વારા પ્રસ્થાનાત્રય ભાષ્ય પારાયણ અને દક્ષિણામ્નાય શૃંગેરી શારદા પીઠના માર્ગદર્શન હેઠળ દેશના લગભગ 300 જેટલા વૈદિક આર્ચકો દ્વારા વૈદિક રીતે પૂજન તથા 21 કુંડીય હવન કરવામાં આવ્યું હતું. એકાત્મતાની મૂર્તિનું અનાવરણ અને અદ્વૈત લોકનું ભૂમિ તથા શિલા પૂજન પણ દક્ષિણામ્નાય શ્રૃંગેરી શારદાપીઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વર પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી પ્રતિમાનું સીએમ શિવરાજ સિંહ ચૌહાણે અનાવરણ કર્યું હતું. આ મૂર્તિ મહારાષ્ટ્રના સોલાપુરના પ્રખ્યાત શિલ્પકાર ભગવાન રામપુરા દ્વારા કંડરવામાં આવી છે. પ્રતિમા માટે બાલ શંકરનું પોટ્રેટ મુંબઈના જાણીતા ચિત્રકાર શ્રી વાસુદેવ કામતે 2018માં બનાવ્યું હતું. પ્રતિમાના નિર્માણ માટે સમગ્ર મધ્યપ્રદેશમાં વર્ષ 2017-18માં એકાત્મ યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા 27 હજાર ગ્રામ પંચાયતોમાંથી ધાતુ સંગ્રહ અને પ્રતિમાના નિર્માણ માટે જનજાગૃતિનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.