મધ્યપ્રદેશઃ સાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં હવે સિંગ્લ યુઝ પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહીં આવે
ભોપાલઃ દેશમાં પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સરકારી ઓફિસમાં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. હવે ડીએમ કાર્યાલય કે કલેક્ટ્રેટ કાર્યાલયમાં પાણીની પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદુષણને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર સાગર જિલ્લા કલેકટર કચેરીમાં તમામ અધિકારીઓને પોતાના ઘરેથી જ પાણીની બોટલ લઈને આવવાની સૂચના આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી સપ્લાય નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. ઓફિસમાં પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ ન થાય તે માટે ખાસ મોનિટરીંગ કરવામાં આવશે. સાગરના અધિક કલેક્ટર આ બાબતનું મોનિટરીંગ કરશે કે કાર્યાલયોની બેઠકોમાં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવામાં આવે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પાણીની બોટલ પોતે ઘરેથી લઇને આવશે. આ પહેલની શરૂઆત સૌથી પહેલા કલેક્ટર કાર્યાલયથી પ્રારંભ થશે. તે બાદ તમામ સરકારી ઑફિસોમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. મધ્યપ્રદેશ સહિત તમામ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની સલામતી માટે અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે.