બેંગ્લોરઃ મદ્રાસ હાઈકોર્ટે ઘરેલુ હિંસા કેસમાં પતિ પર આકરી ટિપ્પણી કરી હતી. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે પતિને ઘર છોડવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, જો પતિનું ઘર છોડીને ઘરેલું શાંતિ જાળવી શકાય છે, તો કોર્ટે આવા આદેશો પસાર કરવા જોઈએ.
કોર્ટે કહ્યું, ભલે પતિ કહે કે તેની પાસે રહેવા માટે બીજું કોઈ ઘર કે વિકલ્પ નથી. કોર્ટના અવલોકન મુજબ, જો પતિ ઘરમાં પત્ની સાથે હિંસા કરે છે અને તેને આની આદત પડી ગઈ હોય તો તેને ઘરમાંથી કાઢી મુકી શકાય છે.
મદ્રાસ હાઈકોર્ટમાં ઘરેલુ વિવાદ સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ આરએન મંજુલાએ આદેશ આપતા કહ્યું હતું કે, “જો આરોપી પતિ ઘરેલુ હિંસા અને અપમાનજનક ભાષાથી બચતો નથી, તો ઘરેલું શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તેને ઘરની બહાર કરી શકાય છે.
જસ્ટિસ આરએન મંજુલાએ કહ્યું, “કોર્ટે એવી મહિલાઓ પ્રત્યે ઉદાસીન ન રહેવું જોઈએ જે ઘરમાં પતિની હાજરીથી ડરે છે.” કોર્ટે કહ્યું કે, ઘરેલુ હિંસાના મામલામાં મહિલાઓની સુરક્ષા માટે આપવામાં આવેલા આદેશો વ્યવહારુ હોવા જોઈએ.
આ મહત્વપૂર્ણ મામલામાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ આરએન મંજુલાએ આદેશ આપ્યો કે પીડિત પત્નીના પતિએ બે સપ્તાહની અંદર ઘરની બહાર જવું પડશે. જો પતિ આવું નહીં કરે તો તેને ઘરની બહાર કાઢવા માટે પોલીસ મોકલવામાં આવશે.
(PHOTO-FILE)