નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પગલે રાજકીય ગરમાયો છે. દરમિયાન આજે ભાજપના સિનિયર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમની ઉપસ્થિતિમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે પહેલા અમિત શાહ અને યોગી આદિત્યનાથએ મહારાણા પ્રતાપ કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં અમિત શાહ અને યોગીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં માફિયાઓ જેલમાં છે અતીક અહેમદ, મુખ્તાર અંસારી અને આઝમ ખાનમાં બંધ છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, તેમને લાગે છે કે, કોરોનાને કારણે સભાઓ સમીતિ થઈ ગઈ છે, લોકોની વચ્ચે જઈ નથી શકાતું, હું તેમને કહેવા માંગુ છું કે, પ્રચાર કરવો હોય તો કરી લો, ઉત્તરપ્રદેશની જનતા ભાજપ સાથે છે. આ વખતે ભાજપ ફરીથી 300થી વધારે બેઠકો ઉપર વિજયી થશે. ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં ભાજપ ફરીથી ઈતિહાસ બનાવશે. 2014, 2017 અને 2019 એમ ત્રણેય ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની જનતાએ પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશના વિકાસનો રસ્તો તૈયાર કરીને પ્રચંડ બહુમતી આપી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગોરખપુરમાં જાપાની તાવથી અનેક બાળકો મરતા હતા. હાલ તેમાં 90 ટકાનો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદી પણ ઉત્તરપ્રદેશથી સાંસદ બનીને દિલ્હી ગયા છે તેઓ હંમેશા કહે છે કે, જ્યાં સુધી ઉત્તરપ્રદેશનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અસંભવ છે. તેઓ હંમેશા ગરીબ, દલિત, ખેડૂતો અને આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરે છે.