- અફઘાનિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ
- પાકિસ્તાન અને ચીનમાં પણ ધ્રુજી ધરતી
- ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હી : રાજધાની દિલ્હી ઉપરાંત અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની સાથે જ પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોમાં લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી. પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનના વિવિધ શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે બે લોકોના મોત અને અન્ય છ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
મીડિયા અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતમાં છત, દિવાલ અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અહીં આઠ મકાનોને નુકસાન થયું છે.
સ્વાત જિલ્લા પોલીસ અધિકારી શફીઉલ્લા ગાંડાપુરે મીડિયાને જણાવ્યું કે જિલ્લામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 150 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં ભૂકંપના આંચકાને કારણે એક ઘરની છત તૂટી પડી હતી. જેમાં એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 77 કિમી દક્ષિણ પૂર્વમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનના પેશાવર, કોહાટ અને સ્વાબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય લાહોર, ક્વેટા અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાનના ગુજરાંવાલા, ગુજરાત, સિયાલકોટ, કોટ મોમિન, મધ્ય રાંઝા, ચકવાલ, કોહાટ અને ગિલગિત-બાલ્ટિસ્તાન વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ફેલાયેલા ઉત્તરીય વિસ્તારના લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,દિલ્હી-NCRમાં મંગળવારે રાત્રે 10.19 કલાકે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદ હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હી સહિત ઉત્તરાખંડ, પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સર્વત્ર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બે થી ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.