ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બિન રાજકીય સંગઠન ઓજસ અને ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓબીસી સમાજના તમામ સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડીયા, સેવાદળના ચેરમેન લાલજી દેસાઈ, સહિત તમામ નેતાગણ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 82 ટકા વસતી ધરાવતા OBC, ST, SC, Minority સમાજને પોતાના હક અધિકાર માટે ધરણા કરવા પડે એ જ બતાવે છે કે ભાજપની ડબલ એન્જીન સરકારમાં ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. આગામી સમયમાં શિક્ષણ , નોકરી, અનામત, બજેટની ફાળવણી અને રાજકીય અનામતના સંદર્ભે એસ.સી,એસ ટી, ઓ.બી.સી અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવભરી નીતિ સામે મહાપંચાયત બોલાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં બેઠેલા ઓ.બી.સી સમાજના નેતાઓને પણ આ ધરણામાં આવવાનું આમંત્રણ આપ્યું હતુ. પણ કોઈ જ આવ્યા નહિ. સમાજની અવગણના કરીને તેઓ તેમના પક્ષના આદેશ મુજબ હાજર રહ્યા નહિ. અમે સરકારના નેતા અને મંત્રીઓને કહેવા માંગીએ છીએ, કે જે સમાજે તમને આ સ્થાન પર બેસાડ્યા છે, જે સમાજના લીધે તમે ચૂંટાયા છો, એ સમાજને જ્યારે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારે પણ સમાજ માટેની લડાઈમાં મંચ પર આવવું જોઈએ. ભાજપની ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતના ઓ.બી.સી સમાજના ગરીબોને ડબલ અન્યાય થઈ રહ્યો છે. એક તો રાજકીય રીતે અનામત નાબૂદ કરીને આ સમાજને ખતમ કરવાનુ કામ થઈ રહ્યુ છે અને બીજી બાજુ તેના માટે પુરતુ બજેટ નહી ફાળવીને સમાજને ડબલ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપની સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નાબૂદ કરવાનો પ્રયાસ કરાયો હતો. રાજકીય રીતે અનામત ખતમ કરીને અને પરીક્ષણ કરીને સરકાર જોવા માંગતી હતી કે આવનારા દિવસોમાં આ અનામત શિક્ષણ અને નોકરીમાંથી ખતમ કરે તો પ્રતિક્રિયા કેવી આવે છે પણ આ બિનરાજકીય ઓબીસી સમિતિને અભિનંદન કે આપણા સૌની પહેલથી આ લડાઈ શરૂ થઈને સરકારે જસ્ટિસ ઝવેરીની આગેવાનીમાં એક સમર્પિત આયોગ બનાવવુ પડ્યુ, જ્યા ઓબીસી સમાજે પોતાની તમામ માંગણીઓ રજુ કરી હતી. ગુજરાતમાં 7120 ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 20 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને ત્યાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે સૌના વતી અમે આ ચાર માંગો સરકાર સમક્ષ મુકવા માંગીએ છીએ. કે ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. ગુજરાત સરકાર ઝવેરી આયોગનો રીપોર્ટ પ્રસિદ્ધ કરે અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવામાં આવે. રાજ્ય સરકારના બજેટમાં ઓબીસી સમાજ માટે 27 ટકા રકમની અલગથી ફાળવણી કરવામાં આવે અને એસ.ટી. એસ.સી. સબ પ્લાનની જેમ ઓબીસી સબ પ્લાન કમિટીઓ દરેક સ્તરે બનાવવામાં આવે. તેમજ સહકારી સંસ્થાઓમાં એસ.ટી, એસ.સી., ઓબીસી, લઘુમતી સમાજ માટે અનામત લાગુ કરવામાં આવે તેવી માગણી છે.
સામાજિક ન્યાય અધિકારીતા અંતર્ગત સરકારે બનાવેલા 9 નિગમમાંથી 8 નિગમમાં SC ST લઘુમતી સમાજના ઉત્કર્ષ માટે પ્રતિવર્ષ 166 કરોડ ફાળવણી કરવામાં આવે છે જ્યારે 18% વસ્તિ જે બિન અનામત વર્ગ માટે બનેલ નિગમ મા 500 કરોડ ફાળવણી કરવામાં આવે છે. આ હળહળતો ભેદભાવ અને અન્યાય છે. જેમ બિન અનામત ના આંદોલન સમયે સૌ સમાજ ભેગા થઈ ને લડત લડ્યા હતા એ જ રીતે આજે ગરીબોની લડાઇ માટે સૌ સમાજ ને અપિલ છે કે આવો સૌ ભેગા થઈને આ લડત લડીએ.