Site icon Revoi.in

સોમનાથ મંદિરમાં મહા શિવરાત્રિ પર્વ ઉલ્લાસથી ઊજવાશે, વહેલી સવારે 4 વાગ્યાથી દર્શન કરી શકાશે

Social Share

અમદાવાદઃ બાર જયોર્તિલિંગોમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના મંદિરમાં આગામી 18મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. સોમના ટ્રસ્ટ  દ્વારા મહા શિવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ શિવરાત્રી પર્વ તા.18મીને શનિવારના રોજ  સોમનાથજી મહાદેવ મંદિર ભાવિકોના દર્શન માટે વહેલી સવારના ચાર વાગ્યે ખુલશે, જે સતત ખુલ્લું રહી બીજા દિવસે એટલે કે તા.19-2-23ને રવિવારના  રોજ રાત્રીના દસ વાગ્યે દર્શન બંધ થશે. આમ સતત 42  કલાક સુધી  મહાદેવજીના દર્શન ખુલ્લા રહેશે.
મહાશિવરાત્રીએ સવારે નૂતન ધ્વજારોહણ, મહામૃત્યુંજય જાપ યજ્ઞ-સાંય શણગાર અને રાત્રીના 9-30,  12-30, 3-30,અને 5-30 એમ ચાર પ્રહરની મહાપૂજા અને આરતી થશે. આમ તા.18 અને 19 એમ બે દિવસમાં કુલ 12 મહાઆરતી થશે. તેમજ
ભાવિકો ઓનલાઇન ભક્તિ સેતુ દ્વારા માત્ર રૂપિયા એકવીસમાં બિલ્વપત્ર પૂજા કરી શકશે તેનું આયોજન થઇ રહ્યું છે.
રાજ્યના સાંસ્કૃતિક યુવા વિભાગ તરફી સોમનાથ ચોપાટી મેદાન ઉપર મહાશિવરાત્રી અનુલક્ષી તા.17અને 18મી ફેબ્રુઆરીએ લોકસાહિત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજી મંદિરમાં મહાશિવરાત્રિના પર્વને દિને મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવિકો સરળતાથી દાદાની પૂજા-અર્ચના અને દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે.આ વરસે મહાશિવરાત્રી શનિવારે અને પછીનો દિવસ રજાનો રવિવાર અને ત્યારબાદ તા 20મી ફેબ્રુઆરીને સોમવાર સોમવતી અમાસ હોવાથી ભાવિકોને શિવકૃપા પ્રાપ્તિનો અનેરો સંયોગ થયો  છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવાની અને પ્રસાદની પણ વ્યવસ્થા માટે આગોતરૂ આયોજન કરાયું છે. ભાવિકોએ અગાઉથી જ ટ્રસ્ટ ઓફિસનો ઓનલાઈન અથવા ટેલિફોનથી સંપર્ક સાધવા જણાવાયું છે. (file photo)