અમદાવાદઃ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજ ખાતે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 30 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેશે. 3 હજારથી વધુ સંતો, 1 હજાર પરસાદ સંત, 1800 સાંખ્યયોગી બહેનોના સહયોગ દ્વારા કાર્યક્રમ યોજાશે. 1 લી માર્ચના રોજ 10 હજાર ડ્રોનથી ભગવાન સ્વામિનારાયણ અને ભારતના નકશાનું ફોર્મેશન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે.
કાળુપુર સ્વામિનારાયણ દ્વારા મંદિરને 200 વર્ષ પૂર્ણ થતા હોવાથી ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અડાલજ ખાતે આગામી તા. 27મી ફેબ્રુઆરીથી તા.5મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. 1 લી માર્ચના રોજ 10 હજાર ડ્રોનથી ભગવાન સ્વામિનારાયણ અને ભારતના નકશાનું ફોર્મેશન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે. સાત દિવસના આ કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા ધર્મસ્વરૂપ સ્વામીજી, વાસુદેવ પ્રકાશ સ્વામીજી, શાસ્ત્રી મુકુંદપ્રસાદ હરિદ્વાર, કૃષ્ણવલ્લભ સ્વામીજી દ્વારા વિશેષ સેવા આપવામાં આવશે. 2 વર્ષ બાદ રાજ્યમાં સૌથી મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો દર્શન કરવામાં માટે આવશે.
કાલુપુર મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા ખાતે યોજાયેલા લક્ષચંડી યજ્ઞ બાદ પહેલીવાર અડાલજની ભૂમિ પર 10 વીઘા જમીનમાં 50 હજાર કિલો વાંસના ઉપયોગથી વિશેષ યજ્ઞશાળા બનાવાઈ છે. યજ્ઞશાળા બનાવવા માટે 25થી વધુ દિવસનો સમય લાગ્યો હતો. આ યજ્ઞ શાળાનું સંચાલન શાસ્ત્રી દિવ્યપ્રકાશ સ્વામીજી અને યજ્ઞપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવશે. 350 વીઘા જમીન પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 30 વીઘા જમીન પર પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. સાથે સાથે 20 વીઘા જમીનમાં ભોજન માટે 8 ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે 1 લાખ હરિભક્તો ભોજનની પ્રસાદી લઈ શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ માટે દર્શન માટે આવેલા તમામ ભક્તોને પ્રસાદીનો લાભ મળે તે માટે મોટી સંખ્યામાં અનાજ, શાકભાજી તથા પાણીની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.