નવી દિલ્હીઃ મહાદેવ એપ દ્વારા હજારો કરોડનું કૌભાંડ કરનાર સૌરભ ચંદ્રકાર દુબઈમાં નજરકેદ છે. ભારતની રેડ કોર્નર નોટિસ પછી યુએઈના અધિકારીઓએ સૌરભ ચંદ્રકારના ઠેકાણા પર તાળા લગાવી દીધા છે. ચંદ્રકાર મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના 2 મુખ્ય આરોપી માલિકો માંથી એક હતો. જે એક કથિત મની લોન્ડ્રિંગ મામલા સાથે જોડાયેલો છે. યુએઈના અધિકારીઓ હાલ તો તેના પર નજર રાખી રહ્યા છે. ભારત દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ શક્યતા વધી ગઈ છે કે ચંદ્રકારને ભારત લાવી શકાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ એપ મામલો એક હાઈ-પ્રોફાઈલ કૌંભાંડ છે, જેમાં એક ઓનલાઈન સટ્ટેબાજી પ્લેટફોર્મ સામેલ છે જે પોકર, કાર્ડ ગેમ, બેડમિંટન, ટેનિસ, ફુટબોલ, અને ક્રિકેટ જેવી વિવિધ રમતો પર ગેરકાનુની જુગારને પ્રોત્સાહન આપે છે. ચંદ્રકાર સામે ઈડી એ ઈંટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. જેના પછી યુએઈના અધિકારીઓ ચંદ્રકાર સામે કાર્યવાહી કરી રહ્યા છે. ચંદ્રકારને દુબઈમાં નજરકેદ કર્યો છે અને તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી છે. અધિકારીઓ તેના ભારત પ્રત્યાર્પણ પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે.
ઓક્ટોબરમાં છત્તીસગઢના રાયપુરમાં મની લોન્ડ્રિંગ રોકથામ અધિનિયમ (પીએમએલએ)ની એક વિશેષ અદાલતના આદેશ પર એનલાઈન સટ્ટેબાજી પ્લેટફોર્મના પ્રમોટર સૌરભ ચંદ્રકાર સામે કેંન્દ્રિય તપાસ એજંન્સી એ મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી હતી. તપાસ એજંન્સી અનુસાર, સૌરભ ચંદ્રકાર અને અન્ય એક પ્રમોટર રવિ ઉપ્પલ સંયુક્ત આરબ અમીરાતમાં તેના હેડ ઓફિસથી મહાદેવ સટ્ટેબાજી એપ દ્વારા મની લોન્ડ્રિંગ અને હવાલાના વ્યવહાર કરી રહ્યા હતા. આ મામલામાં 6000 કરોડની મની લોન્ડ્રિંગ કરવાનો આરોપ છે.