Site icon Revoi.in

મહાદેવ સત્તા એપના માલિક સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ, હવે ભારત લવાશે

Social Share

નવી દિલ્હીઃ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ભારત લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર ઈન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર, મહાદેવ સટ્ટાબાજીની એપના મુખ્ય પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રાકરની દુબઈમાં મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર જારી કરાયેલી ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ચંદ્રાકરને વહેલી તકે ભારત લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ચંદ્રાકર અને એપના અન્ય પ્રમોટર રવિ ઉપ્પલને ગયા વર્ષના અંતમાં રેડ કોર્નર નોટિસ જારી કર્યા બાદ દુબઈમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

EDએ આરોપ લગાવ્યો છે કે મહાદેવ ઓનલાઈન બુક (MOB) ગેમિંગ અને સટ્ટાબાજીની એપની તપાસમાં છત્તીસગઢના વિવિધ ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારોની સંડોવણી બહાર આવી છે. ચંદ્રાકર અને ઉપ્પલ પણ અહીંના છે. ફેડરલ એજન્સી અનુસાર, મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લીકેશન એક મુખ્ય સિન્ડિકેટ છે જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટને સક્ષમ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરે છે.

આ કેસમાં EDએ અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ અત્યાર સુધીમાં બે ચાર્જશીટ પણ દાખલ કરી છે, જેમાં બે પ્રમોટરો સામે પણ સામેલ છે. આ કેસમાં અપરાધની અંદાજિત રકમ 6,000 કરોડ રૂપિયાની આસપાસ છે.