1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુપ્રસિદ્ધ તિર્થધામ ઘેલા સોમનાથમાં હવે મહાદેવજીને જળાભિષેક માટે રૂપિયા 351 ચુકવવા પડશે
સુપ્રસિદ્ધ તિર્થધામ ઘેલા સોમનાથમાં હવે મહાદેવજીને જળાભિષેક માટે રૂપિયા 351 ચુકવવા પડશે

સુપ્રસિદ્ધ તિર્થધામ ઘેલા સોમનાથમાં હવે મહાદેવજીને જળાભિષેક માટે રૂપિયા 351 ચુકવવા પડશે

0
Social Share

રાજકોટઃ જિલ્લાના જસદણ નજીક આવેલા  સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શને રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવતા હોય છે. ઘેલા સોમનાથનું મહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. એટલે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જો જસદણના નાયબ કલેકટર દ્વારા નિર્ણય પરત ખેંચવામાં નહી આવે તો ભાવિકો દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જસદણ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મદિરમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. ઘેલા સોમનાથ દાદાના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવતા હોય છે. હવે સરકારે જ ઘેલા સોમનાથ મહાદેવજીને જળાભિષેક માટે રૂપિયા 351ની ફી નક્કી કરી છે. તેના લીધે ભાવિકોમાં નારાજગી જોવા મળી રહી છે. જે ભક્તો ચાલીને દાદાના દર્શને આવતા હોય તેની પાસે પાંચ રૂપિયા પણ ન હોય અને તેની પાસેથી દાદાને જળાભિષેક કરવાના રૂ.351 વસૂલ કરવામાં આવે તો તે નિરાશ થઈને જળાભિષેક કર્યા વિના પરત ફરતા હોય છે. મંદિરના પ્રાંગણમાં પૂજા કરતા પંડિતોના કહેવા મુજબ  કોઈ અધિકારી આવીને કમિટીની સહમતિ લીધા વગર પોતાની રીતે મનસ્વી નિર્ણય લીધો છે તે સાવ ખોટો છે.  દરમિયાન સાધુ સમાજના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, પૂજા-અર્ચના અઢારેય આલમમાં કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. ચાર્જ નક્કી કરવાથી શ્રીમંત વ્યક્તિ જળાભિષેક કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે કદાચ લોટી પણ નહીં ચડાવી શકે. ઘેલા સોમનાથ મંદિરે દૂર-દૂરથી આવતા ભાવિકોને દાદાની પૂજા-અર્ચના અને જળાભિષેક કરવાનો પૂરો લાભ મળવો જ જોઈએ. તેનો કોઈ ચાર્જ હોવો જ ન જોઈએ. સામાન્ય ભાવિકોને પણ દાદાની પૂજાનો લાભ મળવો જ જોઈએ.

જસદણના નાયબ ક્લેક્ટર રાજેશ આલએ જણાવ્યું હતું કે, જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવાનો આદેશ એ એક પ્રકારે ટ્રસ્ટમાં જમા કરવા બરાબર છે.  અત્યાર સુધી પ્રસાદી આપવામાં આવતી નહોતી. છેલ્લા એક મહિનાથી અહીં દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. તેમજ મંદિરની સાફ-સફાઇ કરાવાઇ રહી છે. તેમજ ગાર્ડનમાં લોન વગેરે જેવા કામો કરાવ્યા છે. મંદિરમાં ધામા નાખીને બેસતા લોકો પાસેથી અમે રૂમની ચાવીઓ લઇ લીધી છે તેથી તેઓ વિરોધ કરતા રહેશે. આ દેવાધિદેવ મહાદેવાનું મંદિર છે. અહીં કોઇ એકનો ઇજારો નથી. તમામને જળાભિષેક કરવાનો હક છે. જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. વેરાવળ સોમનાથ મંદિરમાં પણ પૂજા કરવા માટે નાણાં ચૂકવવા પડે છે. અહીં પણ જે રકમ આવશે તે યાત્રિકોની સુવિધાઓ માટે વપરાવાની છે. આ સરકાર સંચાલિત મંદિર છે અને યાત્રિકોની સુવિધા માટે  આ પ્રકારના નિર્ણયો લેતા હોઇએ છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code