ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજોના 97 અધ્યાપકોને ફાજલ કરવા સામે મહામંડળે શિક્ષણ મંત્રીને કરી રજુઆત
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના 97 જેટલા અધ્યાપકો ફાજલ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ચાર વર્ષનું એક ચક્ર પૂરું ન થાય ત્યાં સુધી કોઈપણ અધ્યાપકોને જે તે કોલેજમાંથી કાર્યભારના આધારે ફાજલ કરવામાં ન આવે તેવી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે માગણી કરી છે.
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા રાજ્યની જુદી જુદી ગ્રાન્ટેડ કોલેજોના કુલ 97 જેટલા અધ્યાપકોને ફાજલ કરવા અંગે ગાંધીનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષણનીતિનું ચાર વર્ષનું એક ચક્ર પૂરું ન થાય ત્યાં સુધી કોઈપણ અધ્યાપકોને જે તે કોલેજમાંથી કાર્યભારના આધારે ફાજલ કરવામાં ન આવે તેવી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
મહા મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી શિક્ષણનીતિ મુજબ કોલેજોમાં ત્રણ વર્ષને બદલે ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ રહેશે. રાજ્ય સરકારની એસઓપી પ્રમાણે અભ્યાસક્રમના વિવિધ બાસ્કેટોમાંથી વિદ્યાર્થીઓને પોતાની પસંદગી પ્રમાણેના વિષયો રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સંજોગોમાં કોલેજોમાં વધારાના સ્ટાફની જરૂરિયાત ઊભી થશે. આ અનુસંધાને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020નું ચાર વર્ષનું એક ચક્ર પૂરું ન થાય ત્યાં સુધી કોઈપણ અધ્યાપકને કાર્યભારના આધારે ફાજલ કરવા જોઈએ નહીં તેવું સૂચન મોકલવામાં આવ્યું હતું પરંતુ તાજેતરમાં 97 અધ્યાપકોને હાજર કરવાની ગતિવિધિ અને કેમ્પ યોજાયો હોય આ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મહા મંડળ દ્વારા અધ્યાપકોને ફાજલ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો છે.