ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકોને થતાં અન્યાય સામે મહામંડળે CMને કરી રજુઆત
અમદાવાદઃ આર્ટસ, કોમર્સ અને સાયન્સની કોલેજોના અધ્યાપકોને જે લાભ મળે છે, તેવા લાભ ઈજનેરી અને પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોને મળતા નથી. અને પગારમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. સાત વર્ષથી વધુ સમય પસાર થવા છતાં સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના આશરે 4000 જેટલા અધ્યાપકો 1/1/2016થી મળવાપાત્ર CASના લાભથી વંચિત છે. આ અંગે ડીગ્રી ઇજનેરી અને પોલિટેકનિક અધ્યાપક મંડળે ફરી એકવાર શિક્ષણ મંત્રી તથા નાણામંત્રીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી છે અને આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક આ બાબતનો ઉકેલ લાવવા માગણી કરી છે.
રાજ્યની સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજો આસપાસના વિસ્તારોને ઉત્તમ અને ગુણવત્તા સભર ઈજનેરી શિક્ષણ આપતી અગ્રગણ્ય સંસ્થાઓ છે. સંસ્થા ખાતે ફરજ બજાવતા અધ્યાપકો પ્રતિ વર્ષ અસંખ્ય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી દેશના વિકાસમાં ભાગીદારી કરે તેવા ઇજનેરો તૈયાર કરવામાં મહત્વનુ યોગદાન આપે છે. સાત વર્ષથી વધુ સમય પસાર થવા છતાં સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના આશરે 4000 જેટલા અધ્યાપકો 1/1/2016થી મળવાપાત્ર CASના લાભથી વંચિત છે. જ્યારે આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજોના અધ્યાપકોને આ લાભો મળતા પણ થઈ ગયા છે. આ ઉદાહરણ એક જ શિક્ષણ વિભાગ હેઠળ આવતા વિભાગ માટે બેવડા ધોરણોની કાર્યપ્રણાલી દર્શાવે છે. આમ સરકારી ઈજનેરી કોલેજ અને પોલીટેનિક કોલેજના અધ્યાપકો વગર વાંકે આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે.
આ અંગે ડીગ્રી ઇજનેરી અને પોલિટેકનિક અધ્યાપક મંડળે ફરી એકવાર શિક્ષણ મંત્રી તથા નાણામંત્રીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી છે અને આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક આ બાબતનો ઉકેલ લાવવા માગણી કરી છે. છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ વિભાગમાં અલગ અલગ કેડરના પ્રમોશનના ઓર્ડર થયા છે. પંરતુ કોઈ પણ કારણ વગર 12 વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં અને યોગ્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા છતાં સરકારી ઈજનેરી કોલેજ તેમજ પોલિટેકનિકના અધ્યાપકોને પ્રમોશન પણ મળેલ નથી. આ બંને મુદ્દે અનેકવાર રજૂઆત કરેલી હોવા છતાં તેનો યોગ્ય ઉકેલ આવેલ ન હોઈ અધ્યાપકો ખૂબ જ તણાવ અનુભવે છે. ટેકનિકલ શિક્ષણ વિભાગમાં નિયમિત નિમણૂક પૂર્વેની એડહોક સેવાને સળંગ ગણવા ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે તેમ છતાં આવા અધ્યાપકોને રજા, પગાર, પગારધોરણ અને પેન્શનના હેતુસર સેવા સળંગ ગણવાના કોઈ જ આદેશ આજદિન સુધી થયેલ નથી. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ તથા મેડિકલ કોલેજોના અધ્યાપકોને આ જ પ્રકારની સેવા સળંગ ગણવાના આદેશ થયેલા છે. જેથી ટેકનિકલ શિક્ષણ વિભાગના આવા ભેદભાવથી પણ અધ્યાપકો ખૂબ જ માનસિક તણાવ અનુભવે છે.