અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું મંદિર જગ વિખ્યાત છે. માતાજીના દર્શન માટે રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. અને માતાજીના દર્શન કર્યા બાદ મંદિરમાંથી પ્રસાદ ખરીદતા હોય છે. અત્યાર સુધી પ્લાસ્ટિકના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો. હવે અંબાજીના મહાપ્રસાદ મોહનથાળનું પેકેટ બદલાયું છે. એટલે કે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ હવે પોલિમર બોક્સમાં મળશે. જેના કારણે બોક્સની કિંમત 100 ગ્રામના 25 રૂપિયા રહેશે. કાગળનાં પેકિંગ બંધ કરી માત્ર 25 રૂપિયામાં દર્શાનાર્થીઓને પેકેટ મળશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ત્રણ સાઈઝમાં પ્લાસ્ટિકના કાગળના પેકિંગમાં મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું. પરંતુ આજથી અંબાજી મંદિરમાં એક જ સાઈઝના પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલું કરવામાં આવ્યું છે. 100 ગ્રામના પોલિમર બોક્સ પેકેટ જેની કિંમત રૂ. 25 રાખવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલિમર બોક્સ રિસાઈક્લિંગ હોવાના કારણે પર્યાવરણને પણ કોઈ નુકસાન નહીં થાય, આથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિમર બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ ચાલુ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મા જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં પ્રખ્યાત છે. મા અંબાના ધામ અંબાજીમાં આમ તો દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો આવે છે, પરંતુ ભાદરવી પૂનમનું અનોખું મહત્વ છે, આ દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના ચરણોમાં શીશ નમાવતા હોય છે. સાથે મા અંબાના આશિષરૂપે મહાપ્રસાદ મોહનથાળ મંદિરમાંથી સાથે લઈ જતા હોય છે.