ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે 31મો આંતર કોલેજ યુવક મહોત્સવ મન ભાવકનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન સાંસદ ભારતીબેન શિયાળ તથા યુવરાજ જયવીરાજસિંહ ગોહિલના હસ્તે કરાયુ હતુ.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 31 મો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં ધન્ય ગુર્જરી ધરા, ધન્ય ગુર્જર નાર, નારી શક્તિ વંદના કાર્યક્રમનો લોકસભાના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. આ તકે તેમણે જણાવ્યું કે, કોલેજકાળ વિદ્યાર્થી જીવનનો મહત્વપૂર્ણ સમય હોય છે. આ દિવસો સૂવર્ણ દિવસો હોય છે. તેમાં પણ યુથ ફેસ્ટિવલના બે-ચાર દિવસો યાદગાર હોય છે. તેમણે પ્રતિભાની વ્યાખ્યા આપતાં જણાવ્યું કે, જે યુવાનોમાં જોમ-જુસ્સો હોય છે. તેને જ પ્રતિભાશાળી યુવાન કહી શકાય અને આ પ્રતિભાને ખિલાવવાનો અવસર યુવક મહોત્સવ આપે છે. વડાપ્રધાન યુવાઓના વિચારને દેશના વિકાસમાં જોડીને દેશને આગળ વધારી રહ્યાં છે ત્યારે દેશના નિર્માણની તાકાત યુવાનોમાં છે.
31માં આંતર કોલેજ મહોત્સવમાં આશરે 60 કોલેજના 1160 વિદ્યાર્થી કલાકારો જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કળાના ઓજસ પાથરશે, યુવક મહોત્સવના પ્રથમ દિવસે મીમીક્રી, લોક નૃત્ય, એકાંકી નાટક, ભજન, સુગમ સંગીત, તત્કાળ ચિત્ર સ્પર્ધા તથા પ્રશ્ન મંચ સહિતની વિવિધ સ્પર્ધાઓનું યોજાશે. ગત વર્ષ કરતા આ વર્ષે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.
આ તકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. એમ.એમ.ત્રિવેદી, પૂર્વ કુલપતિ ગિરીશ વાઘાણી, રજિસ્ટ્રાર, વિવિધ વિભાગોના ડિન,, એજ્યુકેશન કાઉન્સિલના સભ્યો, કોલેજના આચાર્યઓ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.