ભાવનગરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ભાવનગર સાથેનો સંબંધ ગાઢ રહ્યો છે. ભાવનગરમાં મહાત્મા ગાંધીજીએ કોલેજ કક્ષાનું શિક્ષણ લીધુ એ યુનિવર્સિટીમાં ગાંધી વિચાર કેન્દ્ર વર્ષોથી કાર્યરત છે, એને હવે કાયમી તાળા મારવાનો વખત આવ્યો છે. ઇ.સ.2010 એટલે કે છેલ્લાં 12 વર્ષથી યુજીસીની કોઇ પણ પ્રકારની ગ્રાન્ટ વગર આ સેન્ટર ચાલતું હતુ આ સેન્ટર હવે કાયમીપણે બંધ કરવા માટે દરખાસ્ત એક્ઝિક્યુટિવ કાઉન્સિલની આગામી તા.2 જાન્યુઆરીને સોમવારે મળનારી બેઠકમાં મુકાશે. ગાંધી વિચાર કેન્દ્ર બંધ થશે તો ગાંધીની વધુ એક યાદગીરી નામશેષ થઇ જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં મહાત્મા ગાંધીજીની અનેક યાદો જોડાયેલી છે. ભૂતકાળ જોઈએ તો તા.2 જાન્યુઆરી,1888માં મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો હતો અને આ સમગ્ર સૌરાષ્ટ્રની આ સૌ પ્રથમ કોલેજની સ્થાપના તા.2 જાન્યુઆરી,1885ના રોજ થયેલી એટલે આ કોલેજ અને ભાવનગર, ગાંધીજી સાથે ગૌરવવંતો ઇતિહાસના સાક્ષી છે. આ ઇતિહાસને જીવંત રાખી શકાય અને જુદા જુદા કાર્યક્રમો કરી શકાય તે હેતુથી ભાવનગરમાં અંદાજે બે દાયકા પહેલા યુનિ.માં ઇતિહાસ ભવનની રાહબરી હેઠળ ગાંધી વિચાર કેન્દ્રનો આરંભ કરાયો હતો. જો કે આ સેન્ટર આરંભાયું ત્યારથી આજ સુધી કોઇ વિશેષ રસ યુનિ.એ ન લેતા આ સેન્ટર હાલ ઇતિહાસ ભવનના માત્ર એક ખંડમાં ચાલે છે. જેમાં કોઇ કોર્સીસ નથી. પણ ગાંધીજી અને તેની વિચારસરણીને લગતા કાર્યક્રમો વખતોવખત થતા હોય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, માહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ ત્યારે આ સેન્ટરમાં અનેક કાર્યક્રમો થયેલા પણ તે પ્રોફેસરોએ ગાંઠના પૈસા ખર્ચીને કરેલા કારણ કે તેમાં કોઇ ગ્રાન્ટ યુજીસી કે યુનિ. દ્વારા મળતી ન હતી. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં ગાંધીયન સેન્ટર ચાલે છે તેમાં સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો હોય અને વિદ્યાર્થીઓ હોય છે. પણ ભાવનગરમાં તો યુનિ.માં કેમ્પસમાં વર્ષોથી ઉપેક્ષિત હાલતમાં આ સેન્ટર હોવાથી કોઇએ રસ ન લીધો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર યુનિવર્સિટીની આગામી સોમવારે મળનારી સિન્ડિકેટની બેઠકમાં આ સેન્ટર બંધ કરવા અને હાલ તેનો ચાર્જ સંભાળતા ડો.એમ.જે.પરમારને તેમાંથી મુક્ત કરવાની દરખાસ્ત આવી છે. તેમાં ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરાશે. ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રમાં 2012 થી 2015 સુધી ડો. એમ. જે. પરમાર હતા અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. ત્યારબાદ તારીખ 3 માર્ચ 2016થી 2021-2022 સુધી સર પીપી ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના પ્રો.ડો. એસ.કે મહેતા કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત હતા. ત્યારે પણ ગ્રાન્ટ આવતી ન હતી તે સંદર્ભે એકાઉન્ટ ઓફિસર તેમજ કુલ સચિવ સમક્ષ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી આ વર્ષે ફેબ્રુઆરી બાદ ફરીથી ડો.એમ. જે. પરમારને આ સેન્ટર નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ ત્યારે આ સેન્ટરમાં પણ અનેક કાર્યક્રમો થયા હતા. 2 ઓક્ટોબર, 30 જાન્યુઆરી સહિતના દિવસો ઉપરાંત કાર્યક્રમો યોજાયા હતા. જો કે ગ્રાન્ટના અભાવે સેન્ટરના કો-ઓર્ડિનેટર પોતાના ખિસ્સાના ખર્ચે આ કાર્યક્રમ કરતા હતા. આ સેન્ટર ઇતિહાસ ભવનમાં મહેબૂબ દેસાઇ હતા ત્યારે શરૂ થયેલું બાદમાં ડો.એમ.જે.પરમાર, ડો.એસ.કે.મહેતા અને હવે પુન: ડો.એમ.જે.પરમાર કો-ઓર્ડિનેટર છે.
ભાવનગરના શિક્ષણવિદોએ જણાવ્યું હતું કે, ગાંધી વિચાર કેન્દ્રમાં ગાંધીજીને લગતા સ્નાતક, અનુસ્નાતક કે ડિપ્લોમાના કોર્સીસ શરૂ કરી વિદ્યાર્થીઓ સાથે જોડાણ કરવાની જરૂર હતી. સાથે તેમાં યુનિ.એ સક્રિય રીતે રસ લઇ ગ્રાન્ટ મળે તે માટે પ્રયત્નો કરવાની જરૂર હતી તો આમ થયું હોત તો આ સ્થિતિ ઉભી ન થાત. રાજ્માં અન્ય યુનિ.માં આ પ્રકારે કોર્સીસ ચાલે છે જ્યારે ભાવનગરમાં માત્ર સેન્ટર છે.