Site icon Revoi.in

અનુસુચિત જનજાતિ-લઘુમતી તરીકે ડબલ લાભ લેનારને ડી-લિસ્ટીંગ કરવાની માંગણી સાથે મહારેલી યોજાશે

Social Share

અમદાવાદઃ કેટલાક આદિવાસીઓ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ કે ખ્રિસ્તી બન્યા બાદ પણ અનુસુચિત જનજાતિ અને લઘુમતી તરીકેનો ડલબ લાભ મેળવે છે. જેની સામે લોકોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ બેવડો લાભ લેનારાઓને ડી-લિસ્ટીંગ કરવાની સાથે અમદાવાદ શહેરમાં સિંહ ગર્જના “ડી- લિસ્ટિંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું છે.

જનજાતિ સુરક્ષા મંચના તપન યાજ્ઞિકના જણાવ્યા અનુસાર, હિન્દુ આદિવાસીમાંથી ધર્માંતરિત થયા હોવા છતાં અનુસૂચિત જનજાતિ તરીકે બંધારણ દ્વારા મળતી અનામત અને અન્ય જોગવાઈ ના 70 ટકા જેટલો લાભ ખોટા આદિવાસી લોકો દ્વારા લેવામાં આવે છે .એ સંદર્ભનો રિપોર્ટ પદ્મશ્રી કે એસ બજાજ દ્વારા પ્રસારિત થતા,  તેમજ આ સંદર્ભમાં કાર્તિક ઉરાંવજી દ્વારા લખાયેલ પુસ્તક “20 સાલ કી કાલી રાત” લોકો સુધી પહોંચતા જનજાતિ સમાજના અનેક લોકો આ વિષય માટે 2006 થી કાર્યરત જનજાતિ સુરક્ષા મંચની આગેવાની હેઠળ  જનજાતિ અને લઘુમતી તરીકેનો બેવડો લાભ લેનારા લોકોને અનુસૂચિત જનજાતિ યાદીમાંથી દૂર કરવા માટે ડી લિસ્ટિંગની માંગણી સાથે સમગ્ર દેશમાં  આંદોલનો કરી રહ્યા છે.

વર્ષ 2009 માં 28 લાખ લોકોના હસ્તાક્ષર દ્વારા ત્યારબાદ 288 થી વધારે જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદનપત્ર આપીને,  મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિજીના સ્તરે વિવિધ વર્ષોમાં રજુઆત દ્વારા અને છેલ્લે વર્ષ 2022માં 452 જેટલા સાંસદોને વ્યક્તિગત મળી અને આવેદનપત્ર આપીને અલગ અલગ સ્તરે સતત આ સંદર્ભે માંગણી રજૂઆત કરેલ છે. આમ છતાં આ પ્રશ્નનો ઉકેલ ના આવતા હવે જનજાતિ સમાજ આ માંગણીને લઈ અને રસ્તા પર ઉતરી આવ્યો છે.

સમગ્ર દેશમાં આ વર્ષે આ વિશે અનેક મોટી રેલી અને સભાઓ યોજાઇ રહી છે  આજ શ્રેણીમાં ગુજરાતમાં આવનાર 27મે, શનિવારના દિવસે સમગ્ર ગુજરાતના જનજાતિ જિલ્લાઓ, અંબાજી થી ઉમરગામ સુધીના તમામ વિસ્તારોમાંથી  તેમજ અન્ય વિસ્તારોમાં રહેતા જનજાતિ સમાજના લોકો હજારોની સંખ્યામાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સિંહ ગર્જના ડી-લિસ્ટિંગ મહારેલી કરવાના છે. આ રેલીમાં જનજાતિ સમાજના આ સળગતા પ્રશ્નને વાંચા આપવા વર્તમાનમાં મધ્ય પ્રદેશમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત એવા માનનીય ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ  પ્રકાશજી ઉઈકે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના છે.

છેલ્લા 75 વર્ષોથી આદિવાસી સમાજને તેના અધિકારથી વંચિત રખાયો છે. ઉલટું તેનો લાભ ધર્મ બદલી ચૂકેલા ખોટા આદિવાસી લઈ રહયા છે. બંધારણમાં કલમ 341 માં એસ.સી. સમાજ માટે સ્પષ્ટ જોગવાઈ છે કે ધર્મ બદલનાર વ્યક્તિને અનામત તેમજ એસ.સી. તરીકે ના વિશેષ લાભ લઇ શકશે નહિ. તેવી જ સ્પષ્ટ જોગવાઇ જનજાતિ સમાજ માટે કરવા “સિંહ ગર્જના” ડિલિસ્ટિંગ મહારેલી દ્વારા ગુજરાતનો આદિવાસી સમાજ હુંકાર  ભરશે.

(PHOTO-FILE)