1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં માતાના મઢમાં પરંપરાગત પતરીવિધિ મહારાણી પ્રીતિદેવી કરી શકશે, કોર્ટનો ચુકાદો
કચ્છમાં માતાના મઢમાં પરંપરાગત પતરીવિધિ મહારાણી પ્રીતિદેવી કરી શકશે, કોર્ટનો ચુકાદો

કચ્છમાં માતાના મઢમાં પરંપરાગત પતરીવિધિ મહારાણી પ્રીતિદેવી કરી શકશે, કોર્ટનો ચુકાદો

0
Social Share

ભૂજઃ કચ્છમાં માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા મંદિરમાં નવરાત્રી દરમિયાન પૂજા-અર્ચાનાનું વિશેષ મહાત્મય છે. માતાજીના મંદિરે દર નવરાત્રિએ થતી પતરીની પૂજાવિધિને લઈને ચાલતા વિવાદ પર ભુજની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આ વિધિ કરવાનો હક મહારાણી પ્રીતિદેવીને આપ્યો છે. પ્રીતિદેવી કચ્છનાં રાજવી પરિવારના જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની છે. પ્રાગમલજી ત્રીજાનું આ વર્ષે મે મહિનામાં નિધન થઈ ગયું હતું. તે પછી મહારાણી દ્વારા આ વિધિ કરવા અરજી કરાઈ હતી. કોર્ટના ચુકાદા બાદ હવે 350 વર્ષ જૂની કચ્છના રાજવી પરિવારની આ પરંપરા પહેલી વખત કોઈ મહિલાના હસ્તે કરવામાં આવશે. કોર્ટે આદેશમાં કહ્યું કે, પ્રીતિદેવી ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે છે, પરંતુ તેઓ કોઈને તેના માટે નિયુક્ત નહીં કરી શકે કે આદેશ નહીં આપી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કચ્છના ઐતિહાસિક ગણાતા માતાના મઢમાં નવરાત્રી દરમિયાન રાજવીના હસ્તે પતરીવિધી કરવાનો સીલસલો વર્ષોથી ચાલ્યો આવે છે.પરંત પતરી વિધિ અને ચામર વિધિનો વિવાદ 2009માં ઊભો થયો હતો. મહારાવ પ્રાગમલજી ત્રીજા પતરી વિધિની પૂજા કરવા જતા સમયે માતાના મઢમાં આવેલા ચાચરા કુંડમાં પગથિયા ચડતી વખતે તકલીફ ઊભી થતા પૂજા પૂરી કરી શક્યા ન હતા અને તેમની સાથે રહેલા જુવાનસિંહ જાડેજાને વિધિ કરવા જણાવ્યું હતું. જોકે, તેની સામે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવાએ વાંધો ઉઠાવીને તેમને વિધિ અટકાવ્યા હતા. જેથી વર્ષોથી ચાલતી આ પરંપરા તૂટી હતી અને પૂજા વિધિ થઈ શકી ન હતી.

આ ઘટના પછી મહારાવ દ્વારા રાજાબાવા સામે નખત્રાણાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પછીથી પ્રતિવાદી તરીક મહારાવના ભાઈ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા જોડાયા હતા. જે કેસ દયાપર કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ કોર્ટ ચુકાદો આપ્યો હતો કે, મહારાવની ગેરહાજરી તથા અસમર્થતામાં પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યક્તિ રાજ પરિવારની મુખ્ય વ્યક્તિની સાથે રહીને કરી શકશે અને આ વિધિ થાય તે બાબતે રાજબાવા વિરુદ્ધ મનાઈ હુકમ આપ્યો હતો. જોકે, મહારાવે આ આદેશને ભુજની કોર્ટમાં પડકાર્યો હતો. મહારાવ પ્રાગમલજીએ કરેલી આ અરજીને તેમના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ પડકારી હતી. જોકે બાદમાં હનુવંતસિંહે પોતે કરેલી અપીલ પાછી ખેંચી લીધી હતી.

દરમિયાનમાં ગત મે મહિનામાં મહારાવનું અવસાન થતાં તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છે અરજી કરી હતી, જે કોર્ટે મંજૂરી રાખી હતી. આ કેસ ચાલી જતાં 20 સપ્ટેમ્બર, 2021એ ભુજની કોર્ટે અપીલને અંશતઃ મંજૂર કરી ચુકાદો આપ્યો હતો કે, પતરી વિધિ મહારાણી કચ્છ જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી જાતે કરે તથા આ વિધિ અન્ય કોઈને ટ્રાન્સફર ન કરવાનું કોર્ટે ઠેરવ્યું હતું. તમામ પ્રતિવાદીઓ વિરુદ્ધ મનાઈ હુકમ પણ કોર્ટે ફરમાવ્યો હતો. કોર્ટે એ પણ નોધ્યું હતું કે, હનુવંતસિંહ જાડેજાએ આ ચામર અને પતરી વિધિમાં છેલ્લા 30 વર્ષથી ભાગ લીધો નથી, તેથી તેમનો આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી.

આ કેસમાં પ્રતિવાદી હનુમંતસિંહના વકીલોએ કોર્ટમાં દલીલ હતી કે, મહિલાઓ આ પ્રકારની પતરી વિધિ કે પૂજા કરી શકે નહીં. જેની સામે કોર્ટે આઘાત લાગ્યો હોવાનું જણાવતા કહ્યું હતું કે, હાલમાં લિંગભેદ રહ્યો નથી. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાએ કન્વેન્શન ઓન ધી એલીમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમીનેશન અગેઈન્સ્ટ વુમન કે જેને 1979 યુએન જર્નલ એસેમ્બલીએ પણ સ્વીકાર્યો છે તથા બધા રાજ્યોએ પણ આ બાબતે યોગ્ય પગલાં ભરાય તેની ખાતરી આપી છે, ત્યારે મહિલાઓ પ્રત્યેનો ભેદ ન રહેવો જોઈએ. કોર્ટે કહ્યું કે, આ પૂજા આશાપુરા માતા સમક્ષ કરવામાં આવે છે, ત્યારે એક મહિલાને જ માતાની પૂજા કરતી રોકવી ઘણો જ ખોટો દાખલો ઊભો કરવા સમાન છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code