- ઠાણેમાં બિલ્ડિંગનો સ્લેબ થયો ધરાશાયી
- સાત લોકોએ ગુમાવ્યો જીવ
- બચાવ માટેની કામગીરી હાથ ધરવામાં આવી
મુંબઈ: મહારાષ્ટ્રના ઠાણેમાં ગઈકાલે રાતે એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે ઘટના બન્યા બાદ બચાવ માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને પણ બચાવવાની કામગીરી ચાલી રહી છે.
પ્રાથમિક જાણકારી અનુસાર આ બિલ્ડિંગના પાંચમાં માળનો સ્લેબ સીધો જમીન પર આવી પડ્યો અને આ ઘટનામાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મુદ્દે સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઘટના શુક્રવારે રાતે 9 વાગ્યાની આસપાસ બની હતી. આ કાટમાળ ચોથી, ત્રીજી અને પહેલા માળની છતને તોડીને જમીન પર પડ્યું હતું. દુર્ઘટનાના સમયે પાંચમાં માળ પર કેટલાક લોકો હાજર હતા. જો કે રાહતભરી વાત એ છે કે બીજા કોઈ માળ પર લોકો હાજર હતા નહી. હાલ સાત લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને બિલ્ડિંગની આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તારને લોક કરવામાં આવ્યો છે.