Site icon Revoi.in

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં મતદાન યોજાશે.જ્યારે 23મી નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જ બંને રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 

ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે દેશના 13 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો તથા બે રાજ્યની બે લોકસભા બેઠકોની પેટાચૂંટણીની પણ જારેરાત કરી છે.જેમાં કેરળની વાયનાડ લોકસભા બેઠક અને ઉત્તરપ્રદેશની કરહલ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. વાયનાડ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને કરહલ વિધાનસભા બેઠક ઉપરથી અખિલેશ યાદવે રાજીનામું આપતા ખાલી પડી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13મી નવેમ્બર અને બીજા તબક્કા માટે 20મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. બંને રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝારખંડમાં 2.6 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.29 કરોડ મહિલાઓ અને 1.31 કરોડ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમવાર મતદાન કરનારા મતદારોની સંખ્યામાં 11.84 લાખ છે. ઝારખંડમાં 29562 પોલીસ સ્ટેશનમાં મતદાન યોજાશે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં 9.63 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 4.97 કરોડ પુરુ અને 4.66 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 20.93 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે. મહારાષ્ટ્રમાં 1,00,186 મતદાન કેન્દ્રોમાં મતદાન યોજાશે. આ વખતે પીડબલ્યુડી અને મહિલાઓ દ્વારા સંચાલિત બુથ બનાવાશે.