મહારાષ્ટ્રઃ પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ
મુંબઈઃ પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધનો અસરકારક અમલ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિએ 7મી જુલાઈના રોજ મહારાષ્ટ્ર પ્લાસ્ટિક અને થર્મોકોલ પ્રોડક્ટ્સ સંબંધિત નોટિફિકેશન 2018માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ જ નિર્ણય હેઠળ રાજ્ય સરકારે 15મી જુલાઈના રોજ જાહેરનામા દ્વારા પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશન સાથેના ઉત્પાદનો પર પણ પ્રતિબંધ લાદ્યો હતો.
આ સુધારેલા નિયમો હેઠળ રાજ્યમાં પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશન પેપર અથવા એલ્યુમિનિયમ જેવી વસ્તુઓથી બનેલી ડિસ્પોઝેબલ ડીશ, કપ, પ્લેટ, ગ્લાસ, ચમચી, બાઉલ, વાસણો વગેરેના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(Photo-File)